પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણની તબિયત નાજુક

15 August, 2020 07:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન ચૌહાણની તબિયત નાજુક

ચેતન ચૌહાણ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણની તબિયત વધારે ખરાબ થઈ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 12 જૂલાઈએ તેમનો કોરોના વાયરસ (COVID-19)નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. પછી તેમને લખનઉની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત વધારે ખરાબ થતા ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેતન ચૌહાણની કિડની ફેલ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

73 વર્ષના ચેતન ચૌહાણે 1969માં ટેસ્ટ ક્રિકેટથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 1978માં તેમણે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ભારત તરફથી તે 40 ટેસ્ટ અને 7 વન-ડે રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 2,000 વધારે રન બનાવ્યા હોવા છતા તે એકપણ સદી ફટકારી શક્યા ન હતા. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એકપણ સદી ફટકાર્યા વગર 2,000 વધારે રન બનાવનાર પ્રથમ ખેલાડી હતા.

ચેતન ચૌહાણ લાંબા સમય સુધી સુનીલ ગાવસ્કરના ઓપનર જોડીદાર રહ્યાં છે. બંનેએ મળીને સાથે 3,000 રન બનાવ્યા છે. બંને વચ્ચે ઓવલમાં 1979માં થયેલી ભાગીદારીને યાદગાર માનવામાં આવે છે. આ જોડીએ મળીને 213 રન બનાવીને તે સમયના 203 રનની સૌથી લાંબી પાર્ટનરશિપનો રેકોર્ડ તોડ્યો હતો.

coronavirus covid19 uttar pradesh sports sports news cricket news