ચોથા માળની બાલ્કનીમાંથી પડી ગયા કે પડતું મૂક્યું?

21 June, 2024 10:22 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જૉન્સનનું અવસાન

ડેવિડ જૉન્સન

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જૉન્સનનું તેમના અપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કનીમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. જૉન્સન બાવન વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. જૉન્સનને પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ ગયા અઠવાડિયે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર, અનિલ કુંબલે અને ગૌતમ ગંભીરે સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. 
કર્ણાટક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ડેવિડ જૉન્સન તેમના અપાર્ટમેન્ટમાંથી પડી ગયા હોય એવું લાગે છે. તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. એ આત્મહત્યા હતી કે નહીં એનું કોઈ સાક્ષી નથી તેમ જ કોઈ સુસાઇડ-નોટ પણ મળી નથી.’

જૉન્સન મિલનસાર માણસ હતા અને તેમને હૉર્સ રેસિંગનો પણ શોખ હતો, જેના કારણે તે આર્થિક મુશ્કેલીમાં પણ આવી ગયા હતા. પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમને નોકરી કરવી પડી, જેના માટે તેમને ચેન્નઈ જવું પડ્યું હતું. તેમણે ૧૯૯૬માં સચિન તેન્ડુલકરની કૅપ્ટન્સી હેઠળ દિલ્હીમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યંવ હતું. કર્ણાટક ક્રિકેટ ટીમમાં તેઓ અનિલ કુંબલેના સાથી હતા. 

india karnataka cricket news sports sports news