ઑસ્ટ્રેલિયાને કોચ તરીકે પહેલો વર્લ્ડ કપ જિતાડનાર બૉબ સિમ્પસનનું ૮૯ વર્ષની વયે અવસાન થયું

17 August, 2025 01:38 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ભારત સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ૪૧ વર્ષની ઉંમરે ટીમમાં કરી હતી વાપસી, ભારતની સિનિયર અને રાજસ્થાનની રણજી ટીમના સલાહકાર પણ હતા

બૉબ સિમ્પસન

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે પોતાની મેન્સ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કોચ બૉબ સિમ્પસન (૮૯ વર્ષ)ના અવસાનની પુષ્ટિ કરી હતી. ૩૯ ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરનારા આ ભૂતપૂર્વ કૅપ્ટનના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી. ૧૬ વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની સાથે તેઓ સિનિયર ટીમના કૅપ્ટન અને કોચ પણ બન્યા હતા. ક્રિકેટમાં તેમના અદ્ભુત યોગદાનને કારણે તેઓ ઑસ્ટ્રેલિયા (વર્ષ ૨૦૦૬) અને ICC (વર્ષ ૨૦૧૩)ના હોલ ઑફ ફ્રેમ અવૉર્ડથી પણ સન્માનિત થયા છે.

વર્ષ ૧૯૫૭થી ૧૯૭૮ દરમ્યાન ઑસ્ટ્રેલિયા માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર આ બૅટિંગ ઑલરાઉન્ડરે ૩૧ વર્ષની ઉંમરે ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. જોકે વર્ષ ૧૯૭૭માં ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના કટોકટીના સમયે તેમને ૪૧ વર્ષની વયે પાછા બોલાવી ભારત સામેની ઘરઆંગણેની પાંચ મૅચની સિરીઝમાં કૅપ્ટન્સી સોંપવામાં આવી હતી. એ સિરીઝમાં સૌથી વધુ ૫૩૯ રન ફટકારી તેમણે ટીમને ૩-૨થી સિરીઝ જિતાડી આપી હતી. વર્ષ ૧૯૭૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે ડેબ્યુ બાદ ૪૨ વર્ષની ઉંમરે તેમણે આ જ ટીમ સામે ટેસ્ટ-સિરીઝ દરમ્યાન પોતાની ઇન્ટરનૅશનલ કરીઅરની અંતિમ મૅચ રમી હતી.

australia celebrity death test cricket cricket news sports news sports international cricket council