આજથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ : કોણ બનશે સ્પિન-સમ્રાટ?

25 November, 2021 05:27 PM IST  |  Kanpur | Gujarati Mid-day Correspondent

ભારત-ન્યુ ઝીલૅન્ડના સ્પિનરો વચ્ચે હરીફાઈ : શ્રેયસનું ડેબ્યુ : ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલની હારનો બદલો લેવાનો મોકો

પ્રેક્ટિસ મેચની તસવીર

કાનપુરમાં આજે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે બે મૅચવાળી ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચ શરૂ થશે જેમાં જીતીને ભારતને ૨૩ જૂને (મૅચના છઠ્ઠા અને રિઝર્વ ડેએ) સધમ્પ્ટનમાં ન્યુ ઝીલૅન્ડ સામે થયેલા પરાજયનો બદલો લેવાનો મોકો છે. કેન વિલિયમસનના સુકાનમાં કિવીઓએ ત્યારે સૌપ્રથમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં વિરાટ કોહલી ઍન્ડ કંપનીને ૮ વિકેટે હરાવ્યું હતું. એ સાથે, ન્યુ ઝીલૅન્ડ ટેસ્ટનું સૌપ્રથમ ચૅમ્પિયન બન્યું હતું. જોકે, આજે શરૂ થતી મૅચમાં કોહલી નથી રમવાનો એટલે ભારતને જિતાડવાની જવાબદારી કાર્યવાહક સુકાની અજિંક્ય રહાણે પર છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રોહિત શર્મા અને રિષભ પંત જેવા અનુભવી પ્લેયરો પણ આ મૅચમાં નથી એટલે રહાણેના નેતૃત્વમાં યુવા ટીમે ભારતને જિતાડવાનું છે. જોકે, ૧૦૦ કરતાં પણ વધુ ટેસ્ટના અનુભવી અને ૩૦૦-પ્લસ વિકેટ લઈ ચૂકેલા ઇશાંત શર્માનો યુવા ટીમને (ઇલેવનમાં સમાવેશ થશે તો) જરૂર સાથ મળશે.
બૅટર શ્રેયસ ઐયરને આજે ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક છે. કે. એલ. રાહુલ ઈજાને લીધે ટીમની બહાર થઈ જતાં તેમ જ રોહિત શર્મા પણ ટીમમાં ન હોવાથી આ મૅચમાં ઓપનિંગમાં મોટા ભાગે મયંક અગરવાલની સાથે શુભમન ગિલને મોકલવામાં આવશે. અગાઉ એવો પ્લાન હતો કે ગિલને મિડલ-ઑર્ડરમાં ચેતેશ્વર પુજારા અને રહાણે પછી બૅટિંગ કરવાનું કહેવામાં આવે, પણ હવે એ જવાબદારી શ્રેયસને સોંપાશે.
સ્પિનરોની આકરી કસોટી
ભારતમાં મોટા ભાગે સ્પિનરો વિજય અપાવતા હોય છે અને એ રેકૉર્ડ વચ્ચે ભારતના સ્પિનરોમાંથી (જેમને રમવા મળશે એમાંથી) આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જયંત યાદવની કસોટી થશે. બીજી બાજુ, ન્યુ ઝીલૅન્ડની ટીમમાં મુખ્ય ત્રણ સ્પિનરો છે જેમાં મિચલ સૅન્ટનર, એજાઝ પટેલ, વિલિયમ સમરવિલ અને પાર્ટટાઇમ સ્પિનરો રચિન રવીન્દ્ર તથા ગ્લેન ફિલિપ્સ સામેલ છે.
દ્રવિડ-રહાણેની નવી જોડી
રાહુલ દ્રવિડે હેડ-કોચ બન્યા પછી રોહિત શર્માની કૅપ્ટન્સી સાથે મળીને ભારતને કિવીઓ સામેની ટી૨૦ સિરીઝ ૩-૦થી જીતવામાં માર્ગદર્શનથી મોટું યોગદાન આપ્યું ત્યાર બાદ હવે આજથી પાંચ દિવસ સુધી દ્રવિડની રહાણે સાથે જોડી બનશે. કોહલી બીજી મૅચથી ટીમ સાથે જોડાવાનો છે એટલે એ મૅચમાં દ્રવિડ-કોહલીની જોડી બનતી જોવા મળશે.
બન્ને દેશના ખેલાડીઓ
ભારત : અજિંક્ય રહાણે (કૅપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઇસ-કૅપ્ટન), શુભમન ગિલ, મયંક અગરવાલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, વૃદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શ્રીકાર ભરત (વિકેટકીપર), જયંત યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
ન્યુ ઝીલૅન્ડ : કેન વિલિયમસન (કૅપ્ટન), ટૉમ લૅથમ (વિકેટકીપર), રૉસ ટેલર, હેન્રી નિકોલ્સ, ટૉમ બ્લન્ડેલ (વિકેટકીપર), વિલ યંગ, ગ્લેન ફિલિપ્સ (વિકેટકીપર), ડેરિલ મિચલ, ટિમ સાઉધી, નીલ વૅગ્નર, કાઇલ જૅમીસન, વિલિયમ સમરવિલ, એજાઝ પટેલ, મિચલ સૅન્ટનર અને રચિન રવીન્દ્ર.


બીજા દિવસથી મળશે ટર્ન
કાનપુરમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પિચ બનાવનાર ક્યુરેટર શિવકુમારે ગઈ કાલે પી.ટી.આઇ.ને જણાવ્યું હતું કે ‘પિચ પર ઘાસ નથી, પરંતુ સ્પષ્ટ દેખાય એવી તિરાડો પણ નથી. ટીમ મૅનેજમેન્ટ તરફથી અમને કોઈ સૂચના નહોતી અપાઈ. જોકે, મારી ધારણા છે કે બીજા દિવસથી આ પિચ પર સારા ટર્ન મળશે.’


પ્રૅક્ટિસ ખૂબ થઈ, હવે પરીક્ષા શરૂ : ભારતીયોએ કાનપુરમાં છેલ્લા ત્રણ દિવસ કલાકો સુધી બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગની પ્રૅક્ટિસ કરી છે.  પી.ટી.આઇ.

kanpur cricket news