ફૂટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં સ્પેનના નામે લખાઈ ગજબ નામોશી

20 June, 2014 06:45 AM IST  | 

ફૂટબૉલ વર્લ્ડ કપના ઇતિહાસમાં સ્પેનના નામે લખાઈ ગજબ નામોશી




રિયો ડી જાનેરો : ગઈ કાલે ગ્રુપ ગ્ની એક મૅચમાં ચૅમ્પિયન સ્પેન ૦-૨થી ચિલી સામે હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતાં સૌથી મોટો અપસેટ સજાર્યા હતો. પહેલી મૅચમાં નેધરલૅન્ડ્સ સામે ૧-૫થી મળેલા કારમા પરાજયના આઘાતમાંથી બહાર નહોતું આવી શક્યું અને એની અસર પણ ગઈ કાલની મૅચમાં સ્પષ્ટ જણાઈ રહી હતી. પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે જીત મેળવનાર ચિલીએ પહેલા હાફમાં ૨૦મી અને ૪૩મી મિનિટમાં ગોલ કરીને મૅચ પર પકડ મેળવી લીધી હતી. અનેક પ્રયત્નો છતાં સ્પેન ચિલી ડિફેન્સને તોડી નહોતું શક્યું અને મૅચ સાથે વર્લ્ડ કપનો તાજ પણ ગુમાવી દીધો હતો. આ સાથે જ ચૅમ્પિયન સ્પેનના નામે માત્ર બે મૅચ બાદ ટુર્નામેન્ટમાંથી આઉટ થનાર પ્રથમ ચૅમ્પિયન ટીમ તરીકેનો નામોશીભર્યા રેકૉર્ડ પણ લખાઈ ગયો હતો.

ચિલીએ સ્પેનવાસીઓને રડાવ્યા

૨૦૧૦માં પણ સ્પેન પહેલી મૅચ હાર્યા બાદ જોરદાર કમબૅક કરીને ચૅમ્પિયન બન્યું હતું, પણ આ વખતે સ્પેનચાહકોને આવા જ કોઈ ચમત્કારની આશા હતી, પણ રેડ હૉટ ચિલી ટીમે ચૅમ્પિયન ટીમની જરાય પરવા કર્યા વગર શાનદાર પર્ફોર્મન્સ સાથે જીત મેળવીને સ્પેનચાહકોને જબરો આઘાત આપ્યો હતો અને રડાવી દીધા હતા. ચિલીએ આ સાથે છેલ્લા વર્લ્ડ કપમાં સ્પેન સામે ૧-૨થી મળેલી હારનો બદલો પણ લઈ લીધો હતો.

ચોથી ચૅમ્પિયન ટીમ

સ્પેનની એક્ઝિટ સાથે ૧૯૬૬માં બ્રાઝિલ, ૨૦૦૨માં ફ્રાન્સ અને ૨૦૧૦માં ઇટલી  પહેલા જ રાઉન્ડમાં આઉટ થનાર ચૅમ્પિયન ટીમની હરોળમાં આવી ગયું હતું.

ટાટા-બાય-બાય ટીકી-ટાકા

સ્પેનની વિદાય સાથે વર્લ્ડ ચૅમ્પિયન, નંબર વન અને છેલ્લાં છ વર્ષથી ફૂટબૉલજગત પર રાજ કરતી ટીમ જ નહીં, પણ એની રમતની એક અનોખી સ્ટાઇલ ટીકી-ટાકાનો પણ અંત આવી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટૂંકા પાસ કરવાની સ્પેનની ટીકી-ટાકા સ્ટાઇલે દુનિયાભરની ટીમોને પરેશાન કરી નાખી હતી. એની આ શૈલી યુરોપની અનેક ક્લબ ટીમોએ પણ અપનાવીને સફળતા મેળવી હતી. સ્પેનને એની આ સ્ટાઇલે ૨૦૦૮ અને ૨૦૧૨માં યુરોપિયન ચૅમ્પિયનશિપ અને ૨૦૧૦માં વર્લ્ડ ચૅમ્પિયન બનાવી દીધું હતું અને દુનિયાની નંબર વન ટીમ પણ બનાવી દીધી હતી. જોકે બદલાતા ટ્રેન્ડમાં આ સ્ટાઇલની ટીકા પણ બહુ થઈ હતી, પણ સ્પેનને ખૂબ સફળતા અપાવનાર આ સ્ટાઇલ પર ગર્વ હતો, પણ હવે કદાચ એને આ બાબતે ફેરવિચાર કરવો પડશે.

સૌપ્રથમ ઑસ્ટ્રેલિયા આઉટ

બુધવારે રાત્રે નેધરલૅન્ડ્સ સામે જબરા પર્ફોર્મન્સ બાદ ૨-૩થી હારી જતાં ઑસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપમાંથી આઉટ થનારી પહેલી ટીમ બની ગઈ હતી. ત્યાર બાદ ચૅમ્પિયન સ્પેન અને કૅમરૂન આઉટ થઈ ગયા હતા. બીજા રાઉન્ડમાં પ્રવેશનાર પ્રથમ ટીમ નેધરલૅન્ડ્સ બની હતી. ત્યાર બાદ ચિલી પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.

૧૯૫૦માં ઇટલીના પણ આવા હાલ

૧૯૩૮માં ઇટલી ચૅમ્પિયન બનેલું હતું અને ત્યાર બાદ ૧૯૪૨ અને ૧૯૪૬માં વર્લ્ડ વૉરને લીધે વર્લ્ડ કપ નહોતો યોજાયો. ૧૯૫૦માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડ કપમાં ચૅમ્પિયન ઇટલી એના ગ્રુપમાં ભારત હટી જતાં દરેક ટીમની બે-બે લીગ મૅચ જ રમાઈ હતી. ઇટલીં એક હાર્યું અને એક જીત્યું હતું, પણ દરેક ગ્રુપમાંથી એક જ ટીમે બીજા રાઉન્ડમાં પ્રવેશ કરવાનું હોવાથી સ્વીડને એના ચાર પૉઇન્ટ સાથે બાજી મારી લીધી હતી. આમ ચૅમ્પિયન ઇટલી બે જ મૅચ બાદ આઉટ થઈ ગયું હતું, પણ ત્યારે એક ટીમે ટુર્નામેન્ટમાંથી હટી ગઈ હતી અને એ બેમાંથી એક મૅચ જીત્યું હતું.