F1ના વિજેતા વેટલે મૉડલોને કહ્યું કે ‘આપકી આંખેં બહુત ખૂબસૂરત હૈં ’

31 October, 2011 08:14 PM IST  | 

F1ના વિજેતા વેટલે મૉડલોને કહ્યું કે ‘આપકી આંખેં બહુત ખૂબસૂરત હૈં ’


વેટલે પછીથી ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેં હિન્દીમાં આ પ્રશંસા માત્ર મૉડલો માટે નહીં, પણ ભારતીય મહિલાઓ માટે કર્યા હતા. છેલ્લા થોડા દિવસ દરમ્યાન મને ભારતમાં ઘણી દેખાવડી અને જાજરમાન સ્ત્રીઓ જોવા મળી છે. હું આ વર્ષમાં ઘણી રેસ જીત્યો છું, પરંતુ ભારતમાંની આ રેસ હું વર્ષો સુધી નહીં ભૂલું. હું આવતા વર્ષે ફરી ભારત આવીશ.’

વેટલ સતત ત્રણ વખત ગ્રાં પ્રિ જીતી જનાર વિશ્વનો યંગેસ્ટ કાર-રેસડ્રાઇવર છે. તેની આ સીઝનમાં ૧૭ રેસમાંથી આ ૧૧મી જીત છે. આ સાથે તેણે પોતાના જ દેશના માઇકલ શુમાકરના રેકૉર્ડની બરાબરી કરી હતી. રેડ બુલ નામની ટીમના વેટલે રેસ ૧ કલાક ૩૦ મિનિટ અને ૩૫.૦૦૨ સેકન્ડમાં પૂરી કરી હતી. તેને ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન માયાવતી દેવીના હસ્તે ટ્રોફી મળી હતી.

ભારતનો કાર્તિકેયન છેક ૧૭મો

મૅક્લારેન ટીમનો જેન્સન બટન બીજો અને ફેરારીનો ફર્નાન્ડો અલૉન્સો ત્રીજો આવ્યો હતો. સહારા ફોર્સ ઇન્ડિયાનો ઍડ્રિયન સુટિલ નવમો આવ્યો હતો. ભારતનો નારાયણ કાર્તિકેયન છેક ૧૭મા નંબરે રહ્યો હતો.

સચિનના હાથે ફરક્યો ફ્લૅગ

ગઈ કાલે રેસનો ૬૦મા નંબરનો છેલ્લો લૅપ (રાઉન્ડ) પૂરો થયા પછી  આયોજકો તરફથી સચિન તેન્ડુલકરને ફ્લૅગ આપવામાં આવ્યો હતો જે તેણે પત્ની અંજલિ અને પુત્રી સારાની હાજરીમાં ખૂબ ઉત્સાહભેર લહેરાવ્યો હતો.