F1નો વિજેતા વેટલ વર્ષે એક અબજ પાંચ કરોડ રૂપિયાનો પગાર મેળવે છે

01 November, 2011 07:02 PM IST  | 

F1નો વિજેતા વેટલ વર્ષે એક અબજ પાંચ કરોડ રૂપિયાનો પગાર મેળવે છે



નવી દિલ્હી: રવિવારે ભારતની ધરતી પર પહેલી વાર યોજવામાં આવેલી F1 રેસ જીતી લેનાર જર્મનીના ૨૪ વર્ષની ઉંમરના કાર-રેસડ્રાઇવર સેબાસ્ટિયન વેટલને વર્ષે કુલ દોઢ કરોડ યુરો (એક અબજ પાંચ કરોડ રૂપિયા)નો પગાર મળે છે. જ્૧માં તે રેડ બુલ રેસિંગ નામની ટીમ વતી ભાગ લે છે એ ટીમના માલિકો તેને વર્ષે આ તોતિંગ પગાર ચૂકવે છે. તેનો આ પગાર આ વર્ષ પહેલાં ચોથા ભાગનો હતો, પરંતુ ૨૦૧૧નું વર્ષ શરૂ થતાં જ તેના માલિકોએ તેની સૅલરી ચારગણી કરી દીધી હતી.

જોકે વેટલે રેડ બુલ રેસિંગને એનું પૂરું વળતર આપ્યું છે. આ વર્ષમાં તે ૧૩માંથી ૧૧ રેસ જીત્યો છે અને બીજી બે જીતી લેશે તો પોતાના જ દેશના લેજન્ડ તરીકે ઓળખાતા માઇકલ શુમાકરના વિશ્વવિક્રમની બરાબરી કરી લેશે.

જોકે નવાઈની વાત એ છે કે બે કાર-રેસડ્રાઇવરો એવા છે જેમનો એક વર્ષનો પગાર વેટલ કરતાં વધુ છે. રવિવારની F1 રેસમાં ત્રીજા નંબરે આવેલા સ્પેનના ફર્નાન્ડો અલૉન્સોને ફેરારીની કંપની ૨.૮ કરોડ યુરો (એક અબજ ૯૬ કરોડ રૂપિયા)નો પગાર આપે છે. રવિવારે છેક પાંચમા નંબરે આવેલા માઇકલ શુમાકરનો વાર્ષિક પગાર ૧.૮ કરોડ યુરો (એક અબજ ૨૬ કરોડ રૂપિયા) છે જે તેને મર્સિડીઝ જીપી નામની ટીમની માલિકી ધરાવતી કંપની તરફથી મળે છે.

આ બધા રેસડ્રાઇવરો વર્ષ દરમ્યાન રેસના કુલ માત્ર ૨૦થી ૨૫ દિવસની મહેનતમાં આટલા કરોડો રૂપિયા કમાઈ લે છે. તેમની સરખામણીમાં વર્ષ દરમ્યાન પસીનો પાડતાં ભારતીય ક્રિકેટરોને મૉડલિંગના કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટો બાદ કરીએ તો માંડ દસમા ભાગની રકમ પગાર અને મૅચ ફીના રૂપમાં મળે છે.