ઇંગ્લૅન્ડે વિક્રમજનક ટોટલની મદદથી ન્યુ ઝીલૅન્ડને હરાવ્યું

10 February, 2013 06:56 AM IST  | 

ઇંગ્લૅન્ડે વિક્રમજનક ટોટલની મદદથી ન્યુ ઝીલૅન્ડને હરાવ્યું



ઑકલૅન્ડ : T20 ફૉર્મેટના પ્રણેતા ઇંગ્લૅન્ડ માટે T20 ઇન્ટરનૅશનલમાં ગઈ કાલ પહેલાં ૨૦૨ રનનું ટોટલ સૌથી વધુ હતું, પરંતુ ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝની પ્રથમ મૅચમાં એણે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૧૪ રનનો પોતાનો નવો સવોર્ચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. ત્યાર પછી બ્રિટિશરોએ કિવીઓને ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૭૪ રન સુધી સીમિત રાખ્યા હતા અને ૪૦ રનથી વિજય મેળવીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ હાંસલ કરી હતી.

બ્રિટિશ બોલરોમાંથી ફિટ થઈને ફરી રમવા આવેલા કૅપ્ટન સ્ટુઅર્ટ બ્રૉડે ૨૪ રનમાં ચાર, સ્ટીવન ફિને ૩૯ રનમાં ત્રણ અને લ્યુક રાઇટે ૨૯ રનમાં બે વિકેટ લીધી હતી. કિવી બૅટ્સમેનોમાં માત્ર ઓપનર માર્ટિન ગપ્ટિલ ૪૦ રન પાર કરી શક્યો હતો. તેણે ૩૨ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૪૪ રન બનાવ્યા હતા. ચોથી T20 ઇન્ટરનૅશનલ રમેલા કૉલિન મુનરોએ ૧૯ બૉલમાં ત્રણ સિક્સર સાથે ૨૮ રન કર્યા હતા.

ડબલ-ફિગરવાળા દરેક બૅટ્સમૅને સિક્સર ફટકારી

ઇંગ્લૅન્ડના ૨૧૪ રનમાં ઓપનર માઇકલ લમ્બથી માંડીને છ નંબર સુધીના બધા બૅટ્સમેનોનો નાનો-મોટો ફાળો હતો : માઇકલ લમ્બ (૨૨ રન, ૧૫ બૉલ, બે સિક્સર, એક ફોર), ઍલેક્સ હેલ્સ (૨૧ રન, ૧૬ બૉલ, એક સિક્સર, બે ફોર), લ્યુક રાઇટ (૪૨ રન, ૨૦ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), ઓઇન મૉર્ગન (૪૬ રન, ૨૬ બૉલ, ૩ સિક્સર, ૪ ફોર), જેમ્સ બૅરસ્ટો (૩૮ રન, ૨૨ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને જોસ બટલર (૩૨ નૉટઆઉટ, ૧૬ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર).