02 September, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેયર ઑફ ધ મૅચ ગસ ઍટકિન્સને બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.
ગઈ કાલે લૉર્ડ્સના મેદાન પર બીજી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે શ્રીલંકાને ૧૯૦ રને હરાવીને ઇંગ્લૅન્ડની ટીમે ૨-૦થી ત્રણ મૅચની સિરીઝમાં અજેય લીડ મેળવી હતી. ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરતાં ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં ૪૨૭ રન બનાવ્યા હતા. શ્રીલંકા માત્ર ૧૯૬ રન બનાવી શકી હતી. આ રીતે ઇંગ્લૅન્ડને ૨૩૧ રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડે ૨૫૧ રન બનાવ્યા જેથી શ્રીલંકાને ૪૮૩ રનનો ટાર્ગેટ મળ્યો. શ્રીલંકાએ બીજા દાવમાં થોડી લડત બતાવી હતી, પરંતુ ટીમ ૨૯૨ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ગસ ઍટકિન્સન આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે પહેલા દાવમાં ૧૧૮ રન ફટકાર્યા બાદ બે વિકેટ પણ લીધી હતી. પહેલા દાવમાં ૪૦ રન આપનાર ગસ ઍટકિન્સને બીજા દાવમાં ૬૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. પોતાના કરીઅરની પાંચમી ટેસ્ટ રમનાર આ ૨૬ વર્ષનો ઑલરાઉન્ડર એક ટેસ્ટમાં સેન્ચુરી અને પાંચ વિકેટ લેનાર ઇંગ્લૅન્ડનો સાતમો બોલર બન્યો છે.
ઇંગ્લૅન્ડ પ્રથમ ટેસ્ટ પાંચ વિકેટે જીત્યું હતું. સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ ૬ સપ્ટેમ્બરથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. છેલ્લે ઇંગ્લૅન્ડ સામે ૨૦૧૪માં ટેસ્ટ-મૅચ જીતનાર શ્રીલંકા ૨૦૧૬થી સતત ચોથી વાર આ જ ટીમ સામે ટેસ્ટ-સિરીઝ હાર્યું છે.