બ્રૉડને બહાર રાખીને ઇંગ્લૅન્ડે ભૂલ કરી છે : હુસેન

12 July, 2020 01:32 PM IST  |  Mumbai Desk | Agencies

બ્રૉડને બહાર રાખીને ઇંગ્લૅન્ડે ભૂલ કરી છે : હુસેન

નાસીર હુસેન

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન નાસીર હુસેનનું કહેવું છે કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં સ્ટુઅર્ટ બ્રૉડને બહાર રાખીને ઇંગ્લૅન્ડે ભૂલ કરી છે. આ મૅચમાં અત્યારે જેમ્સ ઍન્ડરસન સાથે માર્ક વુડ અને જોફ્રા આર્ચર યજમાન ટીમના બોલિંગ ડિપાર્ટમેન્ટને સંભાળી રહ્યા છે. નાસીરે કહ્યું કે ‘બ્રૉડે જે પણ કહ્યું તેના એક-એક શબ્દ સાથે હું સહમત છું અને તેણે જે પણ કહ્યું એ કહેવાનો તેને અધિકાર છે, કારણ કે તે પોતાના દેશ માટે અનેક ટેસ્ટ મૅચ રમી ચૂક્યો છે. જો હું કૅપ્ટન હોત તો તેના નિર્ણયનું ચોક્કસ સ્વાગત કરત. ટીમના નૅશનલ સિલેક્ટર ઍડ સ્મિથ પાસેથી તે કઈ રીતે સ્પષ્ટતા માગે છે એ જોવું પણ મારા માટે રસપ્રદ હોત. પ્લેયરને જ્યારે ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવે છે ત્યારે તેના પ્રતિસાદ જોવા જેવા હોય છે. જિમી ઍન્ડરસન સાથે મળીને એ વિરોધી પ્લેયરોને હેરાન કરી શકત. મને હજી પણ એવું લાગે છે કે તેને ટીમમાં સ્થાન ન આપીને ઇંગ્લૅન્ડે ભૂલ કરી છે. હાલની પરિસ્થિતિ એવી છે કે બ્રૉડ અને ઍન્ડરસન પોતાની કમાલ દેખાડી શક્યા હોત. જો વાત બ્રિસ્બેનની હોત તો સમજી શકાય એમ હતું, પણ આ સાઉધમ્પ્ટન છે.’

sports news sports cricket news