ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાનનો પહેલવહેલી વાર વાઇટવૉશ

13 September, 2026 10:11 AM IST  |  Birmingham | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે ત્રીજી ટેસ્ટ ૮ વિકેટે જીતીને ૩-૦થી સિરીઝ કબજે કરી

જૉ રૂટ

બર્મિંગહૅમના એજબૅસ્ટન ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ-મૅચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૮ વિકેટે હરાવીને સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. આ સાથે જ પાકિસ્તાનને ભારે અપમાન સહન કરવાની સ્થિતિ સર્જાઈ હતી. પાકિસ્તાનના ઇતિહાસમાં ઇંગ્લૅન્ડમાં આખી સિરીઝ હાર્યા હોય એવું પહેલી વાર બન્યું છે. ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પાકિસ્તાનનો આવો પરાજય થયાની પ્રથમ ઘટના નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને લીડ્સ ખાતે પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ્સ અને ૧૦૩ રને જ્યારે લૉર્ડ્‍સમાં બીજી ટેસ્ટ ૧૯૪ રને ગુમાવી હતી.
ગઈ કાલે ચોથા દિવસે પહેલા સેશનમાં ઇંગ્લૅન્ડે આ મૅચ ૮ વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાને પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૩૮ રન કર્યા પછી ઇંગ્લૅન્ડે ૪૫૩ રન કર્યા હતા. પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં ફાઇટ-બૅક કરીને ૪૪૯ રન કર્યા હતા અને ઇંગ્લૅન્ડને ૧૩૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ સિરીઝમાં કૅપ્ટન બાબર આઝમની કૅપ્ટન્સીમાં પાકિસ્તાની ટીમનો દેખાવ અત્યંત નિરાશાજનક રહ્યો હતો. લૉર્ડ્‍સમાં હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ રિઝવાન સહિત સાત ખેલાડીઓ અને બે કોચને હટાવી દીધા હતા. 

સચિન અને સ્મિથ કરતાં આગળ નીકળ્યો જો રૂટ

ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે આ મૅચમાં બે ઐતિહાસિક રેકૉર્ડ બનાવ્યા હતા. અણનમ ૬૨ રનની ઇનિંગ્સ સાથે તેણે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ હાફ સેન્ચુરી ફટકારવાનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત ટેસ્ટમાં ફીલ્ડર તરીકે સૌથી વધુ ૨૨૦ કૅચ ઝડપીને તેણે ઑસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથ (૨૧૯ કૅચ)નો રેકૉર્ડ પણ તોડી નાખ્યો હતો. 

cricket news test cricket england pakistan joe root sports news sports