પૂજારાની સદી : રાજકોટમાં પાછી દિવાળી

24 November, 2012 07:50 AM IST  | 

પૂજારાની સદી : રાજકોટમાં પાછી દિવાળી




(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૨૪

ચેતેશ્વર પુજારા માટે ગયો શુક્રવાર અમદાવાદમાં નસીબવંતો નીવડ્યો અને ગઈ કાલે મુંબઈમાં તેણે ફરી એક સુવર્ણ અવસર માણ્યો હતો. મોટેરામાં તેણે પ્રથમ ટેસ્ટમૅચમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી જે છેવટે મૅચવિનિંગ સાબિત થઈ હતી. ગઈ કાલે તે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાને મુસીબતમાંથી ઉગારીને ૧૧૪ રને નૉટઆઉટ હતો.

પુજારા રાજકોટનો છે. ગઈ કાલે અહીં જાણે પાછી દિવાળી આવી હોય એવો માહોલ હતો. ઠેર-ઠેર તેના ચાહકોએ ફટાકડા ફોડ્યા હતા.

જોકે પુજારાના ઘરે ગઈ કાલે ખૂબ શાંતિ હતી. ઘરમાં અને મિત્રો તેમ જ ચાહકોમાં ચિન્ટુ તરીકે જાણીતા ચેતેશ્વરના પપ્પા અને કોચ અરવિંદ પુજારાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચિન્ટુની મોટી ઇનિંગ્સનું વારંવાર સેલિબ્રેશન કરવાનો કોઈ અર્થ નથી. જેમ તેણે સારું રમવાની આદત પાડવાની છે એવી જ રીતે અમારે પણ શાંતિથી તેની સકસેસ જોવાની ટેવ પાડવાની છે અને એની શરૂઆત અમે તેની આ સેન્ચુરીથી કરી રહ્યા છીએ.’

ઘણી ન્યુઝ ચૅનલોએ અરવિંદ પુજારાનો ઇન્ટરવ્યુ લેવા તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે વિવેકપૂર્વક ના પાડી દીધી હતી. પછીથી અરવિંદ પુજારાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચિન્ટુનો વિલ-પાવર અને ક્રિકેટ પ્રત્યેનું પૅશન તેના પ્લસ પૉઇન્ટ છે. તે ધીરજપૂર્વક રમતો હોવાથી ક્રીઝ પર ટકવું તેના માટે આસાન છે.’