ભારત પાકિસ્તાન વચ્ચે સિરીઝ રમાતા પહેલાં રાજકીય સંબંધો સુધરવા જરૂરી

14 September, 2020 12:46 PM IST  |  New Delhi | IANS

ભારત પાકિસ્તાન વચ્ચે સિરીઝ રમાતા પહેલાં રાજકીય સંબંધો સુધરવા જરૂરી

એહસાન મની

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન એહસાન મનીએ તાજેતરમાં કહ્યું કે જ્યાં સુધી બન્ને દેશો વચ્ચેના રાજકીય સંબંધો સામાન્ય નહીં બને ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ નહીં રમાય. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્લેયરોને ઇન્ડિયન પ્રીમિયર લીગ રમવા માટે અનુમતિ આપવા વિનંતી નહીં કરે. આ વિશે વિગતવાર વાત કરતાં એહસાન મનીએ કહ્યું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વિપક્ષીય સિરીઝ, ટી૨૦ ક્રિકેટ રમવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરતી આવી છે. દરેક વાતનો આધાર બીસીસીઆઇ પર છે. હાલની તારીખમાં ભારત સાથે ટી૨૦ લીગ રમવાની અમારી કોઈ ઇચ્છા નથી. પહેલાં બન્ને દેશો વચ્ચેના રાજકીય સંબંધોનો નિવેડો આવે, પછી અમે ચર્ચા કરીશું. હું બીસીસીઆઇ સાથે દ્વિપક્ષીય ક્રિકેટ માટે કોઈ વાત નથી કરવાનો. જો તમને કંઈ કહેવું હોય તો તેઓ કહી શકે છે. આઇસીસીનું બંધારણ કહે છે કે ક્રિકેટમાં સરકારી દખલ નથી ચાલતી તો મારા મતે આઇસીસીએ બીસીસીઆઇ સાથે વાતચીત કરવી જોઈએ. મેં આ વિશે મિસ્ટર દાલમિયા તેમ જ મિસ્ટર શરદ પવાર સાથે તેમ જ મિસ્ટર માધવરાવ સિંધિયા સાથે અનેક વાર ચર્ચા કરી હતી. તેમની સાથે અમારા સંબંધો સારા હતા, પણ છેલ્લાં ૧૨ વર્ષથી સંબંધો જોઈએ એવા નથી. એકબીજા સાથે કામ કરવા માટે બન્ને પક્ષને એકબીજા પર વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. જ્યાં સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગની વાત છે તો પાકિસ્તાની પ્લેયરને આઇપીએલમાં રમવા મળે એ માટે હું ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે કોઈ પણ ચર્ચા કે તેમની સામે વિનંતી નહીં કરું.’
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં ૧૪ વર્ષથી પાકિસ્તાનમાં કોઈ ટેસ્ટ સિરીઝ નથી રમાઈ અને આઠ વર્ષથી પાકિસ્તાને ભારતની કોઈ પણ સિરીઝ માટે મુલાકાત નથી લીધી. આ બન્ને ટીમો એકબીજા સાથે માત્ર આઇસીસીની ટુર્નામેન્ટમાં આમને-સામને થાય છે.

pakistan cricket news sports news ipl 2020