ઈડન ગાર્ડન્સમાં ધોની-વિરોધી પિચ-ક્યુરેટરની હકાલપટ્ટી

29 November, 2012 06:18 AM IST  | 

ઈડન ગાર્ડન્સમાં ધોની-વિરોધી પિચ-ક્યુરેટરની હકાલપટ્ટી



કલકત્તા: પાંચમી ડિસેમ્બરે ઇંગ્લૅન્ડ સામે રમાનારી ત્રીજી ટેસ્ટમૅચ માટેના સ્થળ ઈડન ગાર્ડન્સમાં ક્રિકેટ બોર્ડે ગઈ કાલે કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વિરોધી મનાતા પિચ-ક્યુરેટર પ્રબીર મુખરજીને તગેડી મૂકીને તેમની જગ્યાએ ઈસ્ટ ઝોનના ક્યુરેટર આશિષ ભૌમિકની નિયુક્તિ કરી હતી.

ધોનીએ વાનખેડેની ટર્નિંગ વિકેટ પર નામોશી થયા પછી પણ અખબારી મુલાકાતોમાં કહ્યું હતું કે ઈડનમાં પણ વિકેટ પ્રથમ દિવસથી ટર્ન અપાવે એવી હોવી જોઈએ.

મુખરજી ઘણા દાયકાઓથી ઈડનની પિચ તૈયાર કરાવડાવતા હતા, પરંતુ તેમને ત્રીજી ટેસ્ટની પિચ ન બનાવવાનું બોર્ડે કહી દીધું છે.

ભૌમિકે ભારતીય ટીમને વધુ ફાયદો કરાવે એવી વિકેટ બનાવવાની ખાતરી ગઈ કાલે પત્રકારો સમક્ષ આપી હતી. જોકે ભૌમિકે એવું પણ કહ્યું હતું કે આ સ્પોર્ટિંગ પિચ હશે અને પાંચમા દિવસ સુધી ચાલે એવી સારી વિકેટ બનાવવામાં આવશે.