મેદાન ખાલી નહોવાથી ડીવાય પાટીલ સ્ટેડિયમને મળી મુંબઈ-ગુજરાતની રણજી મૅચ

08 October, 2012 06:18 AM IST  | 

મેદાન ખાલી નહોવાથી ડીવાય પાટીલ સ્ટેડિયમને મળી મુંબઈ-ગુજરાતની રણજી મૅચ



નવી મુંબઈ: નેરુળના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ૨૯ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી રણજી ટ્રોફીમાં મુંબઈ-ગુજરાત વચ્ચેની વેસ્ટ ઝોનની લીગ મૅચ રમાશે. ચર્ચગેટના વાનખેડે સ્ટેડિયમમાં એ અરસા દરમ્યાન ભારતીય યુનિવર્સિટીઓની સૌથી મોટી મહાપરિષદ યોજાશે એટલે રણજી મૅચ માટે એ સ્ટેડિયમ ઉપલબ્ધ નહીં રહે. ચર્ચગેટના જ બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાના મેમ્બરોનો નવા વર્ષનો સમારંભ હોવાથી એ મેદાન પણ રણજી માટે ઉપલબ્ધ નથી અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં અન્ડર-૧૯ મૅચો રમાવાની હોવાથી એ પણ મુંબઈ-ગુજરાત મૅચ માટે નહીં મળી શકે.

ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ૨૦૦૮ અને ૨૦૧૦ની આઇપીએલની ફાઇનલ રમાઈ હતી. એ સહિત આ ટુર્નામેન્ટની કુલ ૧૭ મૅચ નવી મુંબઈના આ સ્ટેડિયમમાં રમાઈ છે, પરંતુ એક પણ ફસ્ર્ટ-ક્લાસ મૅચ નથી રમાઈ. ૨૦૧૦માં આ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ તથા ડેક્કન ચાર્જર્સની અને ૨૦૧૧માં પુણે વૉરિયર્સની મૅચો રમાઈ હતી. છેલ્લે આ સ્થળે ગયા વર્ષની ૧૯ મેએ કલકત્તા નાઇટ રાઇડર્સ અને પુણે વૉરિયર્સ વચ્ચે ટક્કર થઈ હતી.ડિસેમ્બરમાં મહિલાઓની વેસ્ટ ઝોનની T20 મૅચો પાલઘરના મેદાન પર રમાશે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ