ટેસ્ટ-રૅન્કિંગમાં વિરાટની પડતી, રૂટની ચડતી

11 February, 2021 11:14 AM IST  |  Dubai

ટેસ્ટ-રૅન્કિંગમાં વિરાટની પડતી, રૂટની ચડતી

જો રૂટ

મંગળવારે પૂરી થયેલી પહેલી ટેસ્ટના પર્ફોર્મન્સની અસર ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કરેલી ટેસ્ટ રૅન્કિંગમાં પણ જોવા મળી હતી. ચેન્નઈ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે પહેલી ઇનિંગમાં ૨૧૮ રનના શાનદાર પર્ફોર્મન્સને જોરે પાંચમા સ્થાનેથી છલાંગ લગાવીને ત્રીજા નંબરે પહોંચી ગયો હતો. રૂટની આ છલાંગની અસર ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીના રૅન્કિંગ પર થઈ હતી. પિતા બન્યા બાદ કમબૅક કરતાં વિરાટ આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં માત્ર ૧૧ રન જ બનાવી શક્યો હતો, પણ બીજી ઇનિંગમાં ૭૨ રન સાથે ટચ બતાવ્યો હતો. આ સાથે રૂટે રૅન્કિંગમાં ૨૦૧૭ બાદ પહેલી વાર કોહલી કરતાં આગળનો ક્રમાંક મેળવ્યો છે. રૂટ હવે પહેલા ક્રમાંકિત ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનથી ૩૬ પૉઇન્ટ અને બીજા ક્રમાંકિત ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન સ્ટીવ સ્મિથથી માત્ર આઠ પૉઇન્ટ દૂર છે. ચોથા નંબરે કાંગારૂ બૅટ્સમૅન માર્નસ લબુશેન છે.

બોલરોની વાત કરીએ તો જીમી ઍન્ડરસનને ફાયદો થયો છે અને પૅટ કમિન્સ અને સ્ટુઅર્ટ બ્રોડ બાદ ત્રીજા નંબરે પહોંચી ગયો છે, જ્યારે રવિચન્દ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહે એક સ્થાનના સુધારા સાથે સાતમો અને આઠમો ક્રમાંક મેળવ્યો છે.

જ્યારે ઑલરાઉન્ડર્સ રૅન્કિંગમાં આ ટેસ્ટમાં ન રમતા રવીન્દ્ર જાડેજાને નુકસાન થતાં બીજાથી ત્રીજા નંબરે ધકેલાઈ ગયો હતો. પહેલા નંબરે બેન સ્ટૉક્સ અને બીજા નંબરે જૅસન હોલ્ડર છે.

૯૧ રનની આક્રમક ઇનિંગ રમનાર વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે ૭૦૦ રેટિંગ પૉઇન્ટ સાથે બૅટ્સમેનોમાં ૧૩મો ક્રમાંક જાળવી રાખ્યો છે. પંત ૭૦૦ રેટિંગ પૉઇન્ટ મેળવનાર ભારતનો પ્રથમ ફુલ ટાઇમ વિકેટકીપર બની ગયો હતો.

joe root virat kohli international cricket council cricket news sports news