જૉકોવિચ ઑસ્ટ્રેલિયામાં ટેનિસ કોર્ટ પરના વિજય પહેલાં જ લીગલ કોર્ટમાં જીતી ગયો

11 January, 2022 05:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અદાલતે વિઝા કાયદેસરના ગણાવ્યા, પણ ઇમિગ્રેશન મિનિસ્ટર ફરી વિઝા રદ કરી શકે છે

જૉકોવિચ ઑસ્ટ્રેલિયામાં ટેનિસ કોર્ટ પરના વિજય પહેલાં જ લીગલ કોર્ટમાં જીતી ગયો

સર્બિયાનો વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ ૨૦૨૨ની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ ઑસ્ટ્રેલિયન ઓપનના વિક્રમજનક ૧૦મા ટાઇટલ માટે મેલબર્નની ટેનિસ કોર્ટમાં જીતવાની તૈયારી કરે એ પહેલાં તેને આ જ શહેરની અદાલતમાં ગઈ કાલે વિજય પ્રાપ્ત થયો હતો. કોવિડ-વિરોધી વૅક્સિનેશનના વિરોધી અને પોતાના વૅક્સિનેશન વિશે કોઈ પણ પુરાવો આપવાનું ટાળનાર જૉકોવિચના જે વિઝા પાંચ દિવસ પહેલાં મેલબર્નમાં તેના પ્રવેશ વખતે રદ કરવામાં આવ્યા હતા એને મેલબર્નની ફેડરલ સર્કિટ કોર્ટના જજ ઍન્થની કેલીએ ગઈ કાલની સુનાવણી બાદ કાયદેસરના ગણાવ્યા હતા અને વિઝાના રદબાતલના સરકારના હુકમને ફગાવી દીધો હતો.
૩૪ વર્ષનો જૉકોવિચ મેલબર્નમાં એન્ટ્રી વખતે પોતાને ટેનિસ સ્પર્ધામાં ભાગ લેવા વૅક્સિનેશનમાંથી મળેલી મુક્તિને લગતો સંતોષજનક માપદંડ પણ રજૂ નહોતો કરી શક્યો એટલે તેના વિઝા રદ કરી તેને પાછો સર્બિયા મોકલી દેવાની તૈયારી થતી હતી. જોકે જૉકોવિચે વિઝા રદ કરવાના નિર્ણય સામેની અપીલમાં જણાવ્યું હતું કે મને ગયા મહિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાના પુરતા પુરાવા તેની પાસે હોવાથી હવે વૅક્સિનેશનની કોઈ સાબિતી આપવાની તેને જરૂર લાગતી નથી.
ગઈ કાલના અદાલતના ચુકાદાથી સ્થિતિ બદલાઈ તો ગઈ છે, પરંતુ જૉકાવિચ ૧૭ જાન્યુઆરીએ મેલબર્નમાં શરૂ થનારી ઑસ્ટ્રેલિયન ઓપનમાં 
રમી શકશે કે નહીં એ ગઈ કાલે સ્પષ્ટ નહોતું થયું.

૩૦ મિનિટમાં હોટેલ છોડવા આદેશ

ન્યાયાધીશે જૉકોવિચને જે મેલબર્ન ક્વૉરન્ટીન હોટેલમાં અટકમાં રાખવામાં આવ્યો છે ત્યાંથી તેને ૩૦ મિનિટમાં બહાર આવવાની છૂટ આપવાનો પણ સરકારને આદેશ આપ્યો હતો.

પ્રધાન બાજી ઊંધી વાળી શકે

જોકે અદાલતના આદેશ બાદ સરકારી વકીલ ક્રિસ્ટોફર ટ્રાને અદાલતને વાકેફ કરતાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન, સિટિઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસિસ ઍન્ડ મલ્ટિકલ્ચરલ ખાતાના પ્રધાન ઍલેક્સ હૉક પાસે જૉકોવિચના વિઝા રદ કરવાની સત્તા છે એટલે હવે વિઝા રદ કરવાની અંગત સત્તાનો ઉપયોગ કરવો કે નહીં એ તો તેઓ જ નક્કી કરશે.’
બીજી રીતે જોઈએ તો અંતિમ નિર્ણય પ્રધાનના જ હાથમાં હોવાથી સરકાર બીજી વાર જૉકોવિચના વિઝા રદ કરવાનું જાહેર કરી શકે એમ છે અને જૉકોવિચે દેશ ભેગા થવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ શકે.

પ્રધાનના આદેશથી જૉકોવિચ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ આવી શકે

જો ઇમિગ્રેશન મિનિસ્ટર ઍલેક્સ હૉક પોતાની અંગત સત્તાનો ઉપયોગ કરીને જૉકોવિચના ઑસ્ટ્રેલિયા માટેના વિઝા રદ કરે તો જૉકોવિચને આવતાં ત્રણ વર્ષ સુધી ઑસ્ટ્રેલિયા પાછો આવવા ન મળે. ખુદ ન્યાયાધીશ કેલીએ ગૃહપ્રધાન સમક્ષ આ મુદ્દો વ્યક્ત કર્યો હતો.
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસ થોડા મહિનામાં ચોથી મુદત માટે ચૂંટણીમાં ઊભા રહેવાના છે. તેમનું પ્રધાનમંડળ વૅક્સિનેશનની બાબતમાં ખૂબ કડક છે એટલે જૉકોવિચના કિસ્સામાં પ્રધાન ફરી વિઝા રદ કરે તો નવાઈ નહીં.

આખી સ્થિતિ જાણે સર્કસ જેવી બની ગઈ. જોકે ન્યાયાધીશે ચુકાદો આપી જ દીધો છે એટલે હવે જૉકોવિચને ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવા દેવો જોઈએ. 
રાફેલ નડાલ

sports news