સિક્સરની હૅટ-ટ્રિક કરીને દિનેશ કાર્તિકે SA20માં પહેલી ફિફ્ટી ફટકારી

01 February, 2025 09:50 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

જવાબમાં કૅપ્ટન ફાફ ડુ પ્લેસિસની ૮૭ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી જૉબર્ગ સુપર કિંગ્સે ૧૭.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

દિનેશ કાર્તિક

સાઉથ આફ્રિકાની SA20 લીગમાં હાલમાં લીગ-સ્ટેજ મૅચમાં પાર્લ રૉયલ્સે સાત વિકેટે જૉબર્ગ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. આ મૅચમાં વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકની ૫૩ રનની સૌથી મોટી ઇનિંગ્સના આધારે પાર્લ રૉયલ્સે નવ વિકેટે ૧૫૦ રન કર્યા હતા. જવાબમાં કૅપ્ટન ફાફ ડુ પ્લેસિસની ૮૭ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી જૉબર્ગ સુપર કિંગ્સે ૧૭.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૫૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

દિનેશ કાર્તિક સાઉથ આફ્રિકાની SA20 સાથે જોડાનારો પહેલો ભારતીય છે. તેણે ૪ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૩૯ બૉલમાં ૫૩ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. આ ટુર્નામેન્ટમાં તેની આ પહેલી ફિફ્ટી હતી. તેણે ૧૩મી ઓવરમાં સિક્સરની હૅટ-ટ્રિક કરીને ધમાલ મચાવી હતી.

બૅટર દિનેશ કાર્તિકની સાઉથ આફ્રિકામાં આ ત્રીજી T20 ફિફ્ટી હતી. આ ત્રણેય ફિફ્ટી તેણે જોહનિસબર્ગના સ્ટેડિયમમાં ફટકારી છે અને ત્રણેય ફિફ્ટી ફ્રેન્ચાઇઝી લીગ દરમ્યાન સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝની ટીમ સામે જ થઈ છે. આ પહેલાં તેણે દિલ્હી માટે IPL 2009માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૩૧ બૉલમાં બાવન રન અને ૨૦૧૨માં ચૅમ્પિયન્સ લીગ T20માં મુંબઈ માટે ચેન્નઈ સામે ૪૦ બૉલમાં ૭૪ રનની ઇનિંગ્સ રમી હતી.

india south africa dinesh karthik t20 cricket news sports news sports