ફ્લૉપ ખેલાડીઓના વિકલ્પ બની શકે એવા પ્લેયરો છે જ ક્યાં? : વેન્ગસરકર

28 November, 2012 05:55 AM IST  | 

ફ્લૉપ ખેલાડીઓના વિકલ્પ બની શકે એવા પ્લેયરો છે જ ક્યાં? : વેન્ગસરકર



હરિત એન. જોશી

મુંબઈ, તા. ૨૮

સિલેક્ટરોએ વાનખેડેમાં ૧૦ વિકેટે નામોશી જોવડાવનાર ભારતીય ટીમમાં કલકત્તાની ત્રીજી ટેસ્ટમૅચ માટે ગઈ કાલે કોઈ જ ફેરફાર ન કર્યો એ વિશે ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેન્ગસરકરે ખૂબ રસપ્રદ અને ભારતીય ક્રિકેટના સત્તાધીશોની આંખ ઉઘાડનારા મંતવ્યો આપ્યા હતા. વેન્ગસરકરે ક્રિકેટ-મોવડીઓની સાથે પસંદગીકારોને નિશાન બનાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.

વાનખેડેની ટેસ્ટમૅચમાં પત્તાંના મહેલની જેમ તૂટી પડેલી બૅટિંગ લાઇન-અપ પર ફરી વિશ્વાસ જાળવી રાખનાર સંદીપ પાટીલ આણિ મંડળીની મીટિંગ પછી વેન્ગસરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ અત્યારે દયનીય હાલતમાં છે. ત્રીજી ટેસ્ટમૅચ માટેની ટીમમાં થોડા ફેરફારો થવા જોઈતા હતા એ વાત હું પણ માનું છું, પરંતુ ટીમ પાસે વિકલ્પો જ ક્યાં છે? આખો કબાટ જાણે ખાલી છે એમ કહું તો પણ ચાલે. જેઓ સારું નથી રમતા એવા માટે સારા વિકલ્પ બની શકે એવા પ્લેયરો આપણી પાસે છેજ ક્યાં! એટલે જ તો સિલેક્ટરોએ ફ્લૉપ પ્લેયરોથી ચલાવી લેવું પડતું હોય છે. ટૅલન્ટેડ પ્લેયરોને ઉપર લાવવા સારી પ્રક્રિયા જ ક્યાં જોવા મળે છે! ઍડમિનિસ્ટ્રેટરોનો નિરસ અભિગમ બધાને ગૂંચવી રહ્યો છે. ઇંગ્લૅન્ડ સામેની મહત્વની સિરીઝમાં ટીમ ઇન્ડિયા બહુ નબળી પૂર્વતૈયારી કરીને રમવા ઉતરી છે.’

વેન્ગરસરે સેકન્ડ હાઇએસ્ટ ટેસ્ટરન (૧૫૮૯) ઇંગ્લૅન્ડ સામે બનાવ્યા હતા.

ધોની ગઈ કાલે ભજીને ટીમમાં જાળવી રાખવા માગતો હતો, પરંતુ સિલેક્ટરો અમિત મિશ્રાને લેવા માગતા હતા અને એ મુદ્દે તેમની વચ્ચે મતભેદો થયા. છેવટે માહીની જીત થઈ હતી.

બે નહીં પણ એક જ ટેસ્ટ માટે ટીમ જાહેર

કલકત્તાની ત્રીજી અને નાગપુરની ચોથી ટેસ્ટમૅચ માટે ટીમ સિલેક્ટ કરવામાં આવશે એવું સોમવારે ક્રિકેટ બોર્ડે પત્રકારોને કહ્યું હતું, પરંતુ ગઈ કાલની જાહેરાત મુજબ નાગપુરની ટેસ્ટ માટે પછીથી ટીમ નક્કી થશે. ઈજાગ્રસ્ત ઉમેશ યાદવને બદલે અશોક ડિન્ડાને ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમ :

મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન, વિકેટકીપર), ગૌતમ ગંભીર, વીરેન્દર સેહવાગ, ચેતેશ્વર પુજારા, સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, મુરલી વિજય, રવિચન્દ્રન અશ્વિન, હરભજન સિંહ, પ્રજ્ઞાન ઓઝા, ઝહીર ખાન, અશોક ડિન્ડા અને ઇશાન્ત શર્મા.