વિલાસરાવે આગરકરનો વિવાદ ઉકેલવા સમય કાઢવાની ખાસ જરૂર : વેન્ગસરકર

01 December, 2011 08:25 AM IST  | 

વિલાસરાવે આગરકરનો વિવાદ ઉકેલવા સમય કાઢવાની ખાસ જરૂર : વેન્ગસરકર

 

મુંબઈની ટીમના મુખ્ય બોલર ઝહીર ખાને તેની ફેવરમાં તેમ જ મુંબઈ ક્રિકેટને ચીફ સિલેક્ટર મિલિન્દ રેગે તથા કોચ સુલક્ષણ કુલકર્ણી અધોગતિના માર્ગે લઈ જઈ રહ્યા છે એવું કહ્યું ત્યાર બાદ ગઈ કાલે મુંબઈના ટોચના ભૂતપૂર્વ પ્લેયરો સાથે ‘મિડ-ડે’એ આ મુદ્દે ચર્ચા કરી હતી.

થોડા દિવસ પહેલાં એમસીએ (મુંબઈ ક્રિકેટ અસોસિએશન)ની ચૂંટણીમાં વિલાસરાવ દેશમુખની પૅનલ સામે હારી ગયેલા દિલીપ વેન્ગસરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગરકરને કટક લઈ જવામાં આવ્યો, પરંતુ તેને ટીમની ઇલેવનમાં જગ્યા ન આપવામાં આવી એ જાણીને મને બહુ દુ:ખ થયું છે. તેના જેવા સિનિયર પ્લેયર સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. એમસીએના પ્રમુખ વિલાસરાવ દેશમુખે આ ગંભીર મામલાનો ઉકેલ લાવવા પૂરતો સમય કાઢવો જ જોઈએ. ક્રિકેટના ઍડમિનિસ્ટ્રેશનમાં માત્ર ચૂંટણી જીતવી પૂરતી નથી, પરંતુ ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે પણ કામ કરવું પડે એવું પ્રેરણારૂપ દૃષ્ટાંત તેમણે પૂÊરું પાડવું જોઈએ.’

બીજા ભૂતપૂર્વ પ્લેયરો આગરકર વિશે શું કહે છે?

બલવિન્દર સિંહ સન્ધુ : સિનિયર પ્લેયરોને ટીમમાં યંગસ્ટરો માટે જગ્યા કરી આપવાનો નિર્દેશ રણજી સીઝનના અંતે મળી જવો જોઈએ. આ રીતે અધવચ્ચેથી કોઈ સિનિયર પ્લેયરનો માનભંગ ન કરાય. તેને કટક લઈ જતાં પહેલાં જ કહી દેવાની જરૂર હતી. ઝહીર ખાને તેની તરફેણમાં નિવેદનો કરવાની જબરી હિંમત બતાવી છે. તેણે જે કંઈ કહ્યું છે એ તેના દિલનો અવાજ છે. મુંબઈની ટીમ માટે મૅનેજર નીમવાની ખાસ જરૂર છે.

કરસન ઘાવરી : મુંબઈની કટકમાં મૅચ ચાલુ છે એ દરમ્યાન આગરકરની તરફેણમાં અને મુંબઈ ક્રિકેટને વખોડતા નિવેદનો કરીને ઝહીર ખાને ખોટું કર્યું છે. તેણે આ તબક્કે પોતાનો ગુસ્સો મિડિયામાં ઠાલવવાની કોઈ જરૂર નહોતી. જોકે આગરકરનું અપમાન તો થયું જ કહેવાય.

પ્રવીણ આમરે : સિનિયર પ્લેયરને ઇલેવનમાંથી ડ્રૉપ કરવા જતાં તેનું અપમાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આગરકર અને ઝહીરે ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય એ હેતુથી જ પોતાના મંતવ્યો સ્પષ્ટ કરી દીધા હશે.