ધોનીએ બ્રિટિશરોને બબડાટ બંધ કરવા કહ્યું

22 October, 2011 07:30 PM IST  | 

ધોનીએ બ્રિટિશરોને બબડાટ બંધ કરવા કહ્યું



જોકે ઇંગ્લિશ ટીમના કોચ ઍન્ડી ફ્લાવરે પેસબોલર ટિમ બ્રેસ્નનને અમ્પાયર સાથેના ખરાબ વર્તન બદલ ૭.૫ મૅચ ફીનો દંડ થયો હોવા છતાં ધોનીની કમેન્ટ્સનો વળતો જવાબ આપીને ઇંગ્લિશ ટીમ પર પોતાને ગર્વ છે એવું કહ્યું હતું.

ધોનીએ બ્રિટિશરો માટે શું કહ્યું?

ઇંગ્લૅન્ડના પ્લેયરો બબડાટ કરીને અમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ સિરીઝમાં આવા વર્તનથી તેમને જ નુકસાન થઈ રહ્યું છે એટલે તેમણે બાકીની મૅચોમાં અમને પ્રેશરમાં લાવવા માટે બીજી કોઈ સ્ટ્રૅટેજી વિચારી રાખવી જોઈએ.

થોડીઘણી કમેન્ટ્સ ચાલી જાય, કારણ કે બે હરીફ ટીમો વચ્ચે ક્યારેય ફ્રેન્ડ્લી સિરીઝની અપેક્ષા ન રાખી શકાય. જોકે ઇંગ્લિશમેનોએ અમને પ્રેશરમાં લાવવા બીજી કોઈ તરકીબ વિચારવી જોઈએ.

હું હરીફ ટીમ સામે બદલો લેવામાં માનતો જ નથી. એક તરફ આપણે ક્રિકેટના મૂલ્યોનું જતન કરવાની વાતો કરીએ અને બીજી તરફ હરીફો સામે વેર લેવા જેવા શબ્દો વાપરીએ તો એ યોગ્ય ન કહેવાય.

ઍન્ડી ફ્લાવરે જવાબમાં શું કહ્યું?

મને મારી ટીમના વર્તન પર ગર્વ છે. સામાન્ય રીતે અમે ઉચ્ચ કક્ષાના ધોરણો સ્થાપિત કરવામાં માનીએ છીએ એટલે મને અમારું અત્યારનું વર્તન જરાય ખરાબ નથી લાગતું.

ટિમ બ્રેસ્નને અમ્પાયર પાસેથી કૅપ ખેંચી લીધી એમાં તેણે કંઈ ખોટું નથી કર્યું. બ્રેસ્નને અમ્પાયર પર ગુસ્સો નહોતો ઉતાર્યો, પણ પોતાની બોલિંગમાં ઘણા રન ગયા હતા એટલે પોતાના પર ગુસ્સે થયો હોવાથી તેણે આવું કર્યું હતું.

(ધોનીએ ઇંગ્લિશમેનો વિશે કરેલી કમેન્ટ્સના જવાબમાં) પ્લેયરોનું વર્તન ખરાબ છે કે નહીં એ નક્કી કરવાનું કામ અમ્પાયરોનું અને મૅચરેફરીનું છે. હું તો કહું છું કે સિરીઝમાં માત્ર અમારી નહીં, પણ બન્ને ટીમનું વર્તન જોઈએ એવું સારું નથી રહ્યું.

બ્રેસ્નનને કેમ દંડ થયો?

ભારતીય ઇનિંગ્સની ૧૮મી ઓવર ટિમ બ્રેસ્નને કરી હતી જે પૂરી થયા પછી તેણે અમ્પાયર સુધીર અસનાનીના હાથમાંથી પોતાની કૅપ ખેંચી લીધી હતી. અમ્પાયરોની ફરિયાદ છતાં બ્રેસ્નને ભૂલ નહોતી કબૂલી એટલે મૅચરેફરી રોશન મહાનામાએ તેને મૅચ ફીના ૭.૫ ટકા ભાગનો દંડ ફટકાર્યો હતો. મહાનામાએ કહ્યું હતું કે ‘પ્લેયરોએ અમ્પાયરોનું માન જાળવવું જ જોઈએ. મેદાન પરના પ્લેયરને કરોડો લોકો અને ખાસ કરીને બાળકો તથા યંગસ્ટરો ટીવી પર જોતા હોય છે એટલે તેણે સભ્ય વર્તન રાખવું જ જોઈએ.’