ધોનીએ અપાવ્યા બે ઓવરમાં 25 રન

23 October, 2012 05:32 AM IST  | 

ધોનીએ અપાવ્યા બે ઓવરમાં 25 રન



ડર્બન: ગઈ કાલે યૉર્કશર સામેની લીગ મૅચ પહેલાં જ ચૅમ્પિયન્સ લીગમાંથી બહાર ફેંકાઈ ગયેલી ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ આ ઇંગ્લિશ ટીમ સામે સુકાન સંભાળવાને બદલે સાથીખેલાડી સુરેશ રૈનાને એ જવાબદારી સોંપી હતી અને એમાં રૈનાએ તેને આબરૂ બચાવતો વિજય અપાવ્યો હતો.

રૈનાએ ધોનીને બે ઓવર આપી હતી જેમાં તેની મિડિયમ પેસ બોલિંગમાં યૉર્કશરના બૅટ્સમેનોએ પચીસ રન બનાવ્યા હતા. તેની પ્રથમ ઓવરમાં ૭ રન અને બીજી ઓવરમાં ૧૮ રન બન્યા હતા. બીજી ઓવરમાં યૉર્કશરના હાફ સેન્ચુરિયન ગૅરી બૉલૅન્સે બે બૉલમાં બે સિક્સર ફટકારી હતી.

બદરીનાથ મૅન ઑફ ધ મૅચ

ચેન્નઈ સુપર કિંગ્સે સેકન્ડલાસ્ટ ઓવર સુધી ચાલેલી રોમાંચક મૅચમાં ૬ બૉલ બાકી રાખીને ૪ વિકેટે જીત મેળવી હતી. સુબ્રમણ્યમ બદરીનાથ (૪૭ રન, ૩૮ બૉલ, ૪ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

રૈનાએ મૅચ પછીના ઇનામ-વિતરણ સમારંભમાં કહ્યું હતું કે ‘અમારા બોલરોએ બહુ સારી બોલિંગ કરીને યૉર્કશરને ૧૪૦ રન સુધી સીમિત રાખ્યું હતું. જીતનો પાયો બોલરોએ જ નાખી આપ્યો હતો. ધોનીએ મને કૅપ્ટન્સી એન્જૉય કરવા કહ્યું હતું. મને સુકાન સંભાળવાનો બહુ સારો મોકો મળ્યો અને મેં પૂરી ક્ષમતા અને સમજદારીથી નેતૃત્વ સંભાળ્યું હતું. જોકે અમે આ છેલ્લી મૅચ પહેલાં સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય ન થઈ શક્યા એનો અફસોસ રહી ગયો છે. અમારે ટ્રોફી જીતવી હતી, પરંતુ હવે વહેલા પાછા જવું પડી રહ્યું છે.’

બૉલૅન્સની પાંચ સિક્સર

રૈનાએ બૅટિંગ આપ્યા પછી યૉર્કશરની ટીમે ગૅરી બૉલૅન્સ (૫૮ રન, ૩૮ બૉલ, પાંચ સિક્સર, એક ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી ૬ વિકેટે ૧૪૦ રન બનાવ્યા હતા. તેણે એક તબક્કે સાત બૉલમાં ચાર સિક્સર ફટકારી હતી. ઍલ્બી મૉર્કલે ૧૨ રનમાં અને ડગ બોલિન્જરે ૧૬ રનમાં બે વિકેટ લીધી હતી. બેન હિલ્ફેનહૉસને ૩૨ રનમાં એક વિકેટ મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ્સમાં બદરીનાથના ૪૭ રન ઉપરાંત સુકાની રૈના (૩૧ રન, ૩૦ બૉલ, એક સિક્સર, એક ફોર) તેમ જ ધોની (૩૧ રન, ૨૩ બૉલ, બે સિક્સર, બે ફોર)નું પણ સારું યોગદાન હતું.

ધોની બન્યો નૉન-વિકેટકીપર

ધોનીએ ગઈ કાલની મૅચમાં વિકેટકીપિંગ પણ નહોતી કરી. તેણે વૃદ્ધિમાન સહાને કીપિંગની જવાબદારી સોંપી હતી. જોકે બાઉન્ડરી-લાઇન પાસે ફોર અટકાવવામાં તે ક્યારેક નિષ્ફળ ગયો હતો.

યૉર્કશર છેક સુધી ન જીતી શક્યું

યૉર્કશરે ક્વૉલિફાઇંગ રાઉન્ડની બન્ને મૅચ જીતી લીધી હતી, પરંતુ મુખ્ય ટુર્નામેન્ટમાં ચારમાંથી એનો ત્રણમાં પરાજય થયો અને એક મૅચ અનિર્ણીત રહી