સ્વાર્થી ગંભીરનો ઍટિટ્યુડ ટીમ માટે ખૂબ હાનિકારક : ધોની

13 December, 2012 03:24 AM IST  | 

સ્વાર્થી ગંભીરનો ઍટિટ્યુડ ટીમ માટે ખૂબ હાનિકારક : ધોની

www.cricketnext.com વેબસાઇટ પરના એક અહેવાલ મુજબ એક ભારતીય પ્લેયરે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ગંભીરના ઍટિટ્યુડથી અને મેદાન પરની નીતિઓથી ધોની નારાજ છે અને એની ફરિયાદ તેણે ક્રિકેટ બોર્ડને કરી છે. માહીએ આ સહિત ગંભીર વિરુદ્ધની ઘણી વાતો બોર્ડને કરી છે: ગૌતમ ગંભીર ટીમ કરતાં પોતાના હિતને વધુ મહત્વ આપે છે. તે સ્વાર્થી થઈ ગયો છે અને તેનું વર્તન ટીમ માટે હાનિકારક છે. ગંભીર થોડા સમયથી ખરાબ પર્ફોમ કરી રહ્યો છે એટલે ટીમમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા પર જ બધુ ધ્યાન આપે છે. સાથીપ્લેયરના દૃષ્ટિકોણથી જોવાને બદલે તે પોતાને અનુકૂળ બને એવું જ કરે છે. ટીમના અન્ય મહત્વના મુદ્દાઓ સાથે તેને જાણે કંઈ લેવાદેવા નથી એવું તેના ઍટિટ્યુડ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે. ગંભીર ટીમ માટે નહીં પણ પોતાના માટે જ રમતો હોય એવું લાગે છે. ઇંગ્લૅન્ડ સામેની વાનખેડેની બીજી ટેસ્ટમૅચના બીજા દાવમાં તે પૂંછડિયા બૅટ્સમેનોને બચાવવા કે ઝડપથી રન બનાવવાને બદલે ક્રીઝ પર ટકી રહેવા માટે જ રમતો હોય એવું લાગ્યું હતું. એ ઇનિંગ્સમાં ઝડપથી રન બને એ જરૂરી હતું, પરંતુ ગંભીરે મૂક પ્રેક્ષક બનીને ઊભા રહેવાનું પસંદ કર્યું હતું. તેની તુલનામાં રવિચન્દ્રન અશ્વિનની બૅટિંગમાં ગજબની મૅચ્યૉરિટી જોવા મળી હતી અને તે ત્રણ કલાક ક્રીઝ પર ટકી રહીને ૯૧ રને નૉટઆઉટ રહ્યો હતો. તેણે ટેઇલએન્ડરોને બચાવી રાખ્યા હતા અને સાથે-સાથે રન પણ બનાવ્યા હતા. અશ્વિન આવું કરી શકે તો ગંભીર કેમ ન કરી શકે?’ કલકત્તાની ટેસ્ટના પ્રથમ દાવમાં સેહવાગ રનઆઉટ થયો હતો અને બીજા દાવમાં ચેતેશ્વર પુજારાએ રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. બન્ને બનાવમાં ગંભીરની ભૂલ હતી. સેહવાગના કિસ્સામાં ત્રીજો રન હતો પણ ગંભીરે ન દોડીને સેહવાગને મુસીબતમાં મૂકી દીધો હતો. બીજી ઇનિંગ્સમાં પુજારાને રન દોડવા માટેનો કૉલ આપવાની ગંભીરે ભૂલ કરી હતી અને પુજારાએ વિકેટનો ભોગ આપવો પડ્યો હતો. ધોનીને પોતાની કૅપ્ટન્સી ખતરામાં હોવાનું લાગે છે અને તેને ડર છે કે બોર્ડ પોતાને હટાવીને ગંભીરને સુકાની નિયુક્ત કરી દેવા વિચારે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ધોનીએ બોર્ડને ગંભીરની વિરુદ્ધમાં વાતો કરવાની શરૂઆત કરી છે. ભૂતપૂર્વ સિલેક્ટર મોહિન્દર અમરનાથ થોડા સમયથી ગંભીરને ટેસ્ટના કૅપ્ટન તરીકે ધોનીનો અનુગામી બનવા પ્રમોટ કરી રહ્યા છે અને એ સ્થિતિમાં ધોનીએ પોતાનું સ્થાન ટકાવી રાખવા બોર્ડમાં ગંભીરની વિરુદ્ધમાં ફરિયાદો કરવાની શરૂ કરી દીધી હોવાનું મનાય છે.