મુસ્તફિઝુર રહેમાન નૅશનલ ટીમ માટે તેડું આવશે તો આઇપીએલ છોડી દેશે

25 February, 2021 12:11 PM IST  |  Dhaka

મુસ્તફિઝુર રહેમાન નૅશનલ ટીમ માટે તેડું આવશે તો આઇપીએલ છોડી દેશે

મુસ્તફિઝુર રહેમાન

સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને શ્રીલંકા સામેની સિરીઝને બદલે આઇપીએલમાં રમવા માટે પરમિશન માગતાં ક્રિકેટ બંગલા દેશ બોર્ડ ખેલાડીઓના કૉન્ટ્રૅક્ટમાં અમુક શરતો ઉમેરવાનું વિચારી રહ્યું છે એવા સમયે પેસબોલર મુસ્તફિઝુર રહેમાનની જાહેરાત તેમના માટે રાહતના સમાચાર લાવી છે. મુસ્તફિઝુરે જાહેર કર્યું છે કે નૅશનલ ડ્યુટી માટે જો તેને આઇપીએલની આગામી ૧૪મી સીઝન છોડવી પડશે તો તે એના માટે તૈયાર છે.

મુસ્તફિઝુરને ગઈ સીઝનમાં પહેલાં કોઈ ટીમે નહોતો ખરીદ્યો, ત્યાર બાદ બે ટીમ તરફથી તેને રિપ્લેશમેન્ટ માટે ઑફર આવી હતી, પરંતુ બંગલા દેશ એ અરસામાં શ્રીલંકાની ટૂર પર જવાનું હોવાથી તેણે એ ઑફર નહોતી સ્વીકારી. જોકે ત્યાર બાદ શ્રીલંકાની એ ટૂર રદ થતાં મુસ્તફિઝુર બન્ને જગ્યાએથી રહી ગયો હતો અને એ બદલ તેણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

જોકે આ વખતે રાજસ્થાન રૉયલ્સે તેને તેની બેઝ પ્રાઇસ એક કરોડમાં ખરીદ્યો છે. જોકે તેણે જાહેર કર્યું છે કે ‘હું એ જ કરીશ જે મને બંગલા દેશ ક્રિકેટ બોર્ડ કરવાનું કહેશે. જો મને આગામી શ્રીલંકન ટૂર માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરશે તો હું ટેસ્ટ-સિરીઝ રમીશ. જો મને સામેલ નહીં કરવામાં આવે તો હું આઇપીએલની તૈયારી કરીશ. દેશ માટે રમવાની મારી પ્રથમ પ્રાથમિકતા છે. દેશભક્તિ મારા માટે પ્રથમ છે.’

bangladesh dhaka cricket news sports news ipl 2021