સચિન તેન્ડુલકર શા માટે 2 દિવસ રૂમમાં ભરાઈ રહ્યો હતો?

03 November, 2014 03:45 AM IST  | 

સચિન તેન્ડુલકર શા માટે 2 દિવસ રૂમમાં ભરાઈ રહ્યો હતો?





સચિન તેન્ડુલકરને ભલે ‘ગૉડ ઑફ ક્રિકેટ’ ગણવામાં આવતો હોય, પરંતુ તેની કરીઅરમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે તેની કૅપ્ટન્સી હેઠળની નિષ્ફળતાથી એટલો ગભરાઈ ગયો હતો અને હતાશ થઈ ગયો હતો કે રમતમાંથી સંન્યાસ લઈ લેવા માગતો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝની હાર બાદ સચિન બે દિવસ સુધી પોતાની રૂમમાંથી બહાર નહોતો આવ્યો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઘણા રેકૉર્ડ બનાવ્યા બાદ ગયા વર્ષે નિવૃત્તિ લઈ લેનારા સચિન તેન્ડુલકરે પોતાની બે દાયકાથી વધુ કરીઅરની યાદગાર ક્ષણોને કાગળ પર ઉતારી છે. ૬ નવેમ્બરે તેન્ડુલકરની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’નું લોકાર્પણ થશે જેમાં તેના ખરાબ સમયનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે.

સચિન તેન્ડુલકરના આ પુસ્તકના મુખ્ય અંશોમાં તેણે લખ્યું છે કે ‘મને હારથી નફરત છે. ટીમના કૅપ્ટન તરીકેના ખરાબ પ્રદર્શન માટે હું મારી જાતને જવાબદાર ગણું છું. એના કરતાં પણ વધુ ચિંતાની વાત એ હતી કે મને ખબર નહોતી પડતી કે એમાંથી હું કઈ રીતે બહાર આવું? મે મારી પત્ની અંજલિને પણ કહ્યું હતું કે મને ડર લાગે છે કે સતત હારને ટાળવા માટે હું કાંઈ નથી કરી શકતો. ઘણી મૅચો બહુ થોડા માટે હારી જતાં હું ડરી ગયો હતો. મેં મારું સર્વસ્વ આપી દીધું હતું અને મને ભરોસો નહોતો કે આના કરતાં ૦.૧ ટકો પણ હું વધુ આપી શકું.

જાણીતા સ્પોર્ટ્સ-જર્નલિસ્ટ અને ઇતિહાસકાર બોરિયા મજુમદાર સાથે મળીને લખેલી આ આત્મકથામાં સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે હું રમતથી દૂર થવાનું વિચારવા માંડ્યો હતો. સચિન તેન્ડુલકરનો એ ખરાબ સમય ૧૯૯૭નો હતો, જ્યારે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડી રહી હતી. પ્રથમ બે ટેસ્ટ-મૅચ ડ્રૉ ગયા બાદ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા જીત તરફ આગળ ધપી રહી હતી. માત્ર ૧૨૦ રન કરવાના હતા છતાં સમગ્ર ટીમ ૮૧ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી અને એમાં વીવીએસ લક્ષ્મણ જ બે આંકડામાં પહોંચી શક્યો હતો.

૨૦૦ ટેસ્ટમાં ૧૬,૯૨૧ રન અને ૪૬૩ વન-ડેમાં ૧૮,૨૪૬ રન કરનારો સચિન તેન્ડુલકર જ્યારે પણ આ ઘટનાને યાદ કરે છે ત્યારે એ વાત તેને દુ:ખી કરી નાખે છે.