16 August, 2026 03:05 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
અભિષેક પોરેલ
પશ્ચિમ બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હી કૅપિટલ્સ માટે ૪ IPL સીઝન રમનાર અભિષેક પોરેલને રેપ, ધમકી અને મારપીટના કેસમાં કોર્ટે જામીન ન આપીને ૧૪ દિવસ માટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ફરિયાદી મેડિકલ વિદ્યાર્થિનીએ જૂન મહિનામાં આરોપ લગાવ્યો હતો કે અભિષેક પોરેલે લગ્નના બહાને તેની સાથે સંબંધ બાંધ્યો હતો, પછી અંગત ફોટો ફેલાવવાની ધમકી આપીને મારપીટ પણ કરી હતી. ૧૧ ઑગસ્ટે તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને પોલીસ-કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસ-કસ્ટડી પૂરી થતાં ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
હવે આજે જામશે લૉર્ડ્સમાં ટ્રેન્ટ રૉકૅટ્સ સામે નિર્ણાયક જંગ
ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની ફાઇનલ જંગનો તખ્તો ગોઠવાઈ ગયો છે. આજે ઐતિહાસિક ગ્રાઉન્ડ લૉર્ડ્સમાં નિર્ણાયક જંગમાં લીગ રાઉન્ડના અંતે પૉઇન્ટ-ટેબલમાં નંબર વન રહીને ડાયરેક્ટ ફાઇનલમાં પ્રવેશ કરનાર સૅમ બિલિંગ્સના નેતૃત્વવાળી ટ્રેન્ટ રૉકૅટ્સ ટીમની ટક્કર IPLની લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રૅન્ચાઇઝીની ટીમ મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ સાથે જામશે. શુક્રવારે રમાયેલા એલિમિનેટર મુકાબલામાં મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ ફ્રૅન્ચાઇઝીની ટીમ સનરાઇઝર્સ લીડ્સને ૨૦ રનથી હરાવી હતી. સુપર જાયન્ટ્સે પૉલ વૉલ્ટર અને હેન્રિક ક્લાસેનની હાફ સેન્ચુરીની મદદથી ૧૦૦ બૉલમાં આપેલા ૧૮૭ રનના ટાર્ગેટ સામે સનરાઇઝર્સ રાયન રિકલ્ટન (૩૪ બૉલમાં ૫૪) અને હૅરી બ્રૂક (૩૧ બૉલમાં ૪૯ રન)ના પ્રતિકાર છતાં ૭ વિકેટે ૧૬૬ રન જ બનાવી શકી હતી. ૨૬ રનમાં ૪ વિકેટ લેનાર સુપર જાયન્ટ્સનો જૉશ ટન્ગ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
તામિલનાડુ પ્રીમિયર લીગની એક મૅચ દરમ્યાન આ રણજી ખેલાડીને પ્રતિબંધિત એરિયામાં ફોન વાપરવા બદલ સસ્પેન્ડ પણ કરાયો
તામિલનાડુના યુવા ક્રિકેટરને હાલ ચાલી રહેલી તામિલનાડુ પ્રીમિયર લીગની એક મૅચ દરમ્યાન ગર્લફ્રેન્ડને કરેલો મેસેજ એક લાખ રૂપિયામાં પડ્યો હતો. અમુક કારણોસર ખેલાડીનું નામ જાહેર નથી કરવામાં આવ્યું, પણ જાણકારી પ્રમાણે આ ઑલરાઉન્ડરે ગઈ રણજી ટ્રોફી સીઝનમાં ડેબ્યુ કર્યું હતું અને બે હાફ સેન્ચુરી ફટકારી હતી.
૧૦ ઑગસ્ટે એક મૅચ દરમ્યાન આ ખેલાડી ડ્રેસિંગ રૂમમાં ફોન વાપરતાં ઝડપાઈ ગયો હતો. ક્રિકેટ બોર્ડના ઍન્ટી-કરપ્શન ઍન્ડ સિક્યૉરિટી યુનિટે તરત જ તેનો ફોન જપ્ત કરી લીધો હતો અને તેની પાસે આ વિશે ખુલાસો માગ્યો હતો. તપાસમાં તે કોઈ સટ્ટાબાજી કે અન્ય કોઈ ગેરકાયેદસર ગતિવિધિમાં સંકળાયેલો ન હોવાનું જાણવા મળ્યું હતું, તેણે ફોનથી ફક્ત તેની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો હતો. તેણે આ પ્રકારનો ગુનો પ્રથમ વાર કર્યો હોવાથી તેને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને તામિલનાડુ ક્રિકેટ અસોસિએશનને આ વિશે વધુ તપાસ માટે જણાવી દીધું હતું. અસોસિએશને તરત જ એ ખેલાડીની ફ્રૅન્ચાઇઝીને જાણ કરી હતી અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા કહ્યું હતું.