21 December, 2025 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતનો કૅપ્ટન આયુષ મ્હાત્રે, પાકિસ્તાનનો કૅપ્ટન ફરહાન યુસુફ.
આજે UAEના દુબઈમાં અન્ડર-19 વન-ડે એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. ત્રીજી વખત આ બન્ને ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સામસામે રમશે. ૨૦૧૨માં ભારતના ૨૨૯ રનના સ્કોરની બરાબરી કરીને પાકિસ્તાન ટાઇ કરીને વિજેતા તરીકે એકમાત્ર વાર નામ નોંધાવ્યું હતું. ૨૦૧૩-’૧૪ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૪૦ રને હરાવ્યું હતું.
પાકિસ્તાન ચોથી વખત ફાઇનલ રમવા ઊતરશે. છેલ્લે ૨૦૧૭માં તેને અફઘાનિસ્તાન સામે આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ૧૮૫ રને હાર મળી હતી. ભારત દસમી વખત ફાઇનલ મૅચ રમશે. ૧૯૮૯થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની પહેલી પાંચ સીઝન અને ૨૦૧૮થી ૨૦૨૧ની સતત ત્રણ સીઝન પોતાના નામે કરી હતી. ૮ વખતની વિજેતા ટીમ ભારત છેલ્લી સીઝનમાં ૨૦૨૪માં બંગલાદેશ સામે ૫૯ રને હારીને પહેલી વખત રનરઅપ રહ્યું હતું.
વર્તમાન સીઝનમાં ભારતના ફાસ્ટ બોલર દીપેશ દેવેન્દ્રન અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર અબ્દુલ સુભાને સૌથી વધુ ૧૧-૧૧ વિકેટ લીધી છે. પાકિસ્તાનના સમીર મિન્હાસ સૌથી વધુ ૨૯૯ રન અને ભારતના અભિજ્ઞાન કુંડુએ ૨૬૩ રન કર્યા છે. વૈભવ સૂર્યવંશી ૨૩૫ રન સાથે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.