ડેક્કન ક્રૉનિકલ અમને અંધારામાં રાખીને ટીમ વેચી જ કેવી રીતે શકે? : ક્રિકેટ બોર્ડ

13 October, 2012 06:47 AM IST  | 

ડેક્કન ક્રૉનિકલ અમને અંધારામાં રાખીને ટીમ વેચી જ કેવી રીતે શકે? : ક્રિકેટ બોર્ડ





(સંજીબ ગુહા)

મુંબઈ, તા. ૧૩

ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ લિમિટેડ પોતાની ટીમ ડેક્કન ચાર્જર્સના ફ્રૅન્ચાઇઝીનો ક્રિકેટ બોર્ડ સાથેનો કૉન્ટ્રૅક્ટ જાળવી રાખવા ગઈ કાલ સાંજ ૫.૦૦ વાગ્યા સુધીમાં બૉમ્બે હાઈ કોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાની બૅન્ક ગૅરન્ટી આપવામાં નિષ્ફળ ગઈ એ સાથે બોર્ડ સાથેનો આ કંપનીનો પાંચ વર્ષ જૂનો કૉન્ટ્રૅક્ટ રદ થઈ ગયો છે. બોર્ડ હવે આ ટીમના વેચાણ માટે નવી બિડ મગાવવા ટેન્ડર બહાર પાડી શકશે. જોકે બોર્ડ અને ડેક્કન ક્રૉનિકલ વચ્ચેનું ઘર્ષણ હજી ઘણું લાંબુ ચાલશે એવી સંભાવના છે.

ડેક્કન ક્રૉનિકલે બૅન્ક ગૅરન્ટી આપવા માટે વધુ ત્રણ દિવસનો સમય માગ્યો હતો, પરંતુ કોર્ટે અરજી નકારી હતી.

ગંભીર આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી ડેક્કન ક્રૉનિકલે પોતાનું ફ્રૅન્ચાઇઝી મુંબઈની કમલા લૅન્ડમાર્ક નામની રિયલ એસ્ટેટ કંપનીને વેચી દીધી હોવાનો અહેવાલ ગઈ કાલે બહાર આવતાં બોર્ડના એક ટોચના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડેક્કન ક્રૉનિકલે અમારી પાસેથી હરાજીમાં ફ્રૅન્ચાઇઝી ખરીદ્યું હતું તો પછી અમને જાણ કર્યા વગર એ એને વેચી જ કેવી રીતે શકે? અમને ડેક્કનનું વેચાણ સ્વીકાર્ય નથી. અમે આ ટીમ માટે ફરી હરાજી કરીશું. બહુ બહુ તો લૅન્ડમાર્કને અમે ઑક્શનમાં ભાગ લેવા આમંત્રણ આપી શકીએ. બીજું હાલના તબક્કે મારે કંઈ જ નથી કહેવું.’

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ