ડેબ્યુમાં સદી : શ્રેયસ સતત ત્રીજો મુંબઈકર

27 November, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૃથ્વી અને રોહિત પછી મેળવી સિદ્ધિ : ભારતના ૩૪૫ રન સામે ન્યુ ઝીલૅન્ડના વિના વિકેટે ૧૨૯ રન

શ્રેયસ ઐયર

કાનપુરની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ ૩૪૫ રનના સ્કોર પર પૂરો થયા બાદ ન્યુ ઝીલૅન્ડનો સ્કોર બૅડલાઇટને લીધે રમત થોડી વહેલી અટકાવી દેવામાં આવી ત્યારે વિના વિકેટે ૧૨૯ રન હતો. શ્રેયસ ઐયર (૧૦૫ રન, ૧૭૧ બૉલ, ૨૬૭ મિનિટ, બે સિક્સર, ૧૩ ફોર) ટેસ્ટના ડેબ્યુમાં સદી ફટકારનારો ભારતનો ૧૬મો ખેલાડી બન્યો હતો. તે એવો સતત ત્રીજો મુંબઈકર છે જેણે કરીઅરની પહેલી જ ટેસ્ટમાં સદી નોંધાવી છે. તેના પહેલાં ૨૦૧૮માં પૃથ્વી શૉ (૧૩૪ રન)એ પોતાની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે અને ૨૦૧૩માં રોહિત શર્મા (૧૭૭ રન)એ પણ વેસ્ટ ઇન્ડીઝ સામે સદી ફટકારી હતી.
સ્પિનરોનો જાદુ ન ચાલ્યો
કિવીઓએ ગઈ કાલની રમતના અંત સુધીમાં જે ૧૨૯ રન બનાવ્યા હતા એમાં અણનમ ઓપનરો વિલ યંગના ૧૮૦ બૉલમાં ૧૨ ફોરની મદદથી બનેલા ૭૫ રન અને ટૉમ લૅથમના ૧૬૫ બૉલમાં ચાર ફોર સાથે બનેલા ૫૦ રનનો સમાવેશ હતો. ભારતના પાંચ (ઇશાન્ત, ઉમેશ, અશ્વિન, જાડેજા, અક્ષર)માંથી એકેય બોલરને વિકેટ લેવામાં સફળતા નહોતી મળી. ગ્રીન પાર્કની પિચ ગઈ કાલના બીજા દિવસથી સ્પિનરોને ટર્ન અપાવશે એવી ધારણા હતી, પરંતુ ભારતીય સ્પિનરોને પિચમાં દાદ ન મળતાં યંગ અને લૅથમ ફ્રન્ટ-ફુટ પર આવીને આસાનીથી રમ્યા હતા અને ચોક્કા ફટકાર્યા હતા. ભારતીય બોલરોનો ભાગ્યે જ કોઈ બૉલ કિવી બૅટરને મુશ્કેલી મૂકી શકે એટલો નીચો રહ્યો હતો.
શ્રેયસ ૧૬મો ભારતીય
શ્રેયસ ઐયર ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારનારો ૧૬મો ભારતીય છે. તે કરીઅરની પહેલી જ ટેસ્ટના પહેલા દાવમાં સદી નોંધાવનારો ૧૩મો ભારતીય છે. અગાઉના ૧૫માંથી ૧૨ ભારતીયોએ ડેબ્યુ ટેસ્ટના પ્રથમ દાવમાં સદી ફટકારી હતી, જ્યારે ત્રણ પ્લેયરની સદી બીજા દાવમાં હતી. શ્રેયસની સદી પણ પહેલા દાવમાં થઈ છે. શ્રેયસની અગાઉના ૧૫ ભારતીયોમાં લાલા અમરનાથ, દીપક શોધન, અર્જન ક્રિપાલ સિંહ, અબ્બાસ અલી બેગ, હનુમંત સિંહ, ગુંડપ્પા વિશ્વનાથ, સુરિન્દર અમરનાથ, મોહમ્મદ અઝહરુદ્દીન, પ્રવીણ આમરે, સૌરવ ગાંગુલી, વીરેન્દર સેહવાગ, સુરેશ રૈના, શિખર ધવન, રોહિત શર્મા અને પૃથ્વી શૉનો સમાવેશ છે.
ભારતનો સ્કોર ૩૪૫ રન સુધી પહોંચાડવામાં ગિલ (બાવન), જાડેજા (૫૦), અશ્વિન (૩૮), રહાણે (૩૫), પુજારા (૨૬)ના પણ યોગદાનો હતા. સાઉધીએ પાંચ, જૅમિસને ત્રણ અને એજાઝ પટેલે બે વિકેટ લીધી હતી.

92
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડના ૧૨૯ રનમાંથી આટલા રન ભારતીય સ્પિનરોની બોલિંગમાં બન્યા હતા.

sports news cricket news