વિરાટ-ડિવિલિયર્સ જાણે બૅટમૅન-સુપરમૅન

18 May, 2016 05:30 AM IST  | 

વિરાટ-ડિવિલિયર્સ જાણે બૅટમૅન-સુપરમૅન




વેસ્ટ ઇન્ડીઝનો આક્રમક બૅટ્સમૅન ક્રિસ ગેઇલ IPLમાં વિરાટ કોહલી અને એ.બી. ડિવિલિયર્સના પ્રદર્શનને જોઈને હેરાન છે. તેણે આ જોડીની સરખામણી બેટમૅન અને સુપરમૅન સાથે કરી છે. મૅચ બાદ ગેઇલે કહ્યું હતું કે ‘આ બન્ને બૅટ્સમેનો બૅટમૅન અને સુપરમૅનની જેમ રમી રહ્યા છે. તેઓ પોતાની કરીઅરના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં છે. ખાસ કરીને કોહલી. તેમણે આ રીતે જ રમવું જોઈએ, આરામ ન કરવો જોઈએ તેમ જ જેટલા થઈ શકે એટલા રન કરવા જોઈએ.’

કોહલી અને ડિવિલિયર્સે ૧૨ મૅચમાં ૧૩૪૯ રન બનાવ્યા છે. આ બન્ને નવમી સીઝનમાં સૌથી વધુ રન કરનારા બે ટોચના ખેલાડીઓ બન્યા છે. ગેઇલે કહ્યું હતું કે ‘આ બન્ને દબાણમાં પણ સારી બૅટિંગ કરી રહ્યા છે. જીતનું શ્રેય બન્નેને મળવું જોઈએ. કોહલી સારી રીતે કૅપ્ટન્સી કરી રહ્યો છે.’

ભારતીય નાગરિકત્વ માટે મોદીને મળશે ડિવિલિયર્સ!

સાઉથ આફ્રિકાનો સ્ટાર બૅટ્સમૅન અને બૅન્ગલોરની ટીમનો ખેલાડી એ.બી. ડિવિલિયર્સ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માગે છે. તે ભારતીય નાગરિકત્વ માટે વડા પ્રધાનને મળશે. ડિવિલિયર્સ પોતે સાઉથ આફ્રિકાની ક્રિકેટ-ટીમનો કૅપ્ટન છે. મિસ્ટર નાગ્સના ટીવી-શોમાં ડિવિલિયર્સને પૂછવામાં આવ્યું કે તે વર્લ્ડ કપ અને બાદમાં IPL માટે છેલ્લા સાત મહિનાથી ભારતમાં છે તો ભારતીય નાગરિકત્વ કેમ નથી લઈ લેતો? ત્યારે ડિવિલિયર્સે‍ કહ્યું હતું કે મારે નાગરિકત્વ માટે વડા પ્રધાન સાથે વાત કરવી પડશે. આ બધું મજાકમાં કહેવામાં આવ્યું હતું. ડિવિલિયર્સને ચાહકોની સંખ્યા ભારતમાં ઘણી છે. ઇન્ટરવ્યુ દરમ્યાન તેણે હિન્દી ગીત ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ ગીત ગાયું હતું.

૧૦ ટાંકા આવે તો પણ રમીશ : વિરાટ

સોમવારે કલકત્તા સામેની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન વિરાટ કોહલીના હાથમાં ઈજા થઈ હતી. એવું લાગી રહ્યું હતું કે કદાચ તે રમવા માટે નહીં આવે. મૅચ બાદ કોહલીએ કહ્યું હતું કે મેં ફિઝિયોને કહ્યું હતું કે મારે કોઈ પણ હાલતમાં રમવું છે. મારા હાથમાં આઠ ટાંકા આવ્યા હતા, પરંતુ ટીમ જીતી રહી હતી તો દસ ટાંકા આવે એની પણ પરવા નથી. વિરાટ કોહલીએ આ સીઝનમાં કુલ ૧૨ મૅચમાં ૭૫૨ રન બનાવ્યા છે. એક જ સીઝનમાં આટલા રન કરનારો તે પહેલો બૅટ્સમૅન બન્યો છે. તેણે ક્રિસ ગેઇલ અને માઇકલ હસીના ૭૩૩ રનના રેકૉર્ડને તોડ્યો હતો.