ડેવિસ કપમાં ભારતે ન્યુ ઝીલૅન્ડનો ૫-૦થી હરાવીને કર્યો વાઇટવૉશ

17 September, 2012 08:57 AM IST  | 

ડેવિસ કપમાં ભારતે ન્યુ ઝીલૅન્ડનો ૫-૦થી હરાવીને કર્યો વાઇટવૉશ


ગઈ કાલે બે કલાક અને ૪૧ મિનિટ ચાલેલી પહેલી સિંગલ્સમાં ભારતના યુકી ભામ્બરીએ કિવીપ્લેયર જૉસ સ્ટાથમને ૨-૬, ૭-૫, ૭-૬થી પરાજય આપ્યો હતો. જ્યારે બીજી અને છેલ્લી સિંગલ્સમાં સનમ સિંહે આર્ર્ટેમ સિટાકને એકતરફી મુકાબલામાં ૬-૪, ૬-૧થી હરાવ્યો હતો. ૨૦૦૫માં ઉઝબેકિસ્તાનના વાઇટવૉશ પછી ભારતે ગઈ કાલે પહેલી વાર ડેવિસ કપમાં હરીફનાં સૂપડાં સાફ કરતો પફોર્ર્મન્સ કયોર્ હતો અને એ પણ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ જેવા સિનિયર અને સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં. આ જીત સાથે ભારત હવે આવતા વર્ષે એશિયા/ઓસનિયા ગ્રુપ-૧માં જ જળવાઈ રહેશે, જ્યારે ન્યુ ઝીલૅન્ડમાં આ જ ગ્રુપમાં સ્થાન જાળવવા હવે આવતા મહિને ચાઇનીઝ તાઇપેઇ સામે જીતવું પડશે.

ભૂપતિ-બોપન્ના બે વર્ષ સુધી દેશ વતી નહીં રમી શકે

લંડન ઑલિમ્પિક્સના સિલેક્શન વખતે મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ લિએન્ડર પેસ સાથે જોડીમાં ન રમવા માટે જે ઉધામા મચાવ્યા હતા એ પ્રકરણને ગંભીરતાપૂર્વક લઈને ઑલ ઇન્ડિયા ટેનિસ અસોસિએશને મોડે- મોડે પણ આખરે ભૂપતિ અને બોપન્નાને બે વર્ષ સુધી એટલે કે ૩૦ જૂન ૨૦૧૪ સુધી ડેવિસ કપમાં સિલેક્ટ ન કરવાનો નિર્ણય કયોર્ છે. અશિસ્તને કોઈ પણ ભોગે  સાંખી લેવામાં નહીં આવે. બધા સુધી આ મેસેજ પહોંચાડવાના હેતુથી લેવામાં આવેલા આ નિર્ણયની જાહેરાત કરતાં અસોસિએશનના જનરલ સેક્રેટરી ભરત ઓઝાએ કહ્યું હતું કે અસોસિએશનને કોઈ ખેલાડી પર પ્રતિબંધ મૂકવાની સત્તા નથી, પણ આ દેશ વતી રમવા માગતા ખેલાડીઓની અશિસ્તને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે એવો મેસેજ આપવા માટેની આ કાર્યવાહી છે.