નસીબદાર દિલ્હીનો આપોઆપ સેમીમાં પ્રવેશ

24 October, 2012 05:20 AM IST  | 

નસીબદાર દિલ્હીનો આપોઆપ સેમીમાં પ્રવેશ



સેન્ચુરિયન: ચૅમ્પિયન્સ લીગના ગ્રુપ ‘એ’માં ગઈ કાલે પર્થ સ્કૉર્ચર્સ સામે ઑકલૅન્ડ ઍસીસ હારી જતાં દિલ્હી ડેરડેવિલ્સ અને ટાઇટન્સને સેમી ફાઇનલમાં આપોઆપ પ્રવેશ મળી ગયો હતો. ખુદ ઑકલૅન્ડ ઍસીસની ટીમ પરાજય સાથે સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી. આ ગ્રુપની કલકત્તા નાઇટ રાઇડર્સ અને પર્થ સ્કૉર્ચર્સની ટીમ થોડા દિવસ પહેલાં જ બહાર થઈ ગઈ હતી.

જો પર્થ સ્કૉર્ચર્સ સામે ઑકલૅન્ડ ઍસીસ જીતી ગયું હોત તો સેમી માટે ઑકલૅન્ડ, દિલ્હી અને ટાઇટન્સ વચ્ચે હરીફાઈ થઈ હોત. ગઈ કાલની છેલ્લી લીગ મૅચ સેમીમાં પહોંચી ચૂકેલી ટીમો દિલ્હી ડેરડેવિલ્સ અને ટાઇટન્સ વચ્ચે હતી, પરંતુ વરસાદને લીધે એ મૅચ નહોતી થઈ શકી.

પર્થ સ્કૉર્ચર્સે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૦ રન બનાવ્યા હતા જેમા પૉલ કૉલિંગવુડના ૩૮ રન હાઇએસ્ટ હતા. ઑકલૅન્ડ ઍસીસ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૪ રન બનાવી શક્યું હતું અને ૧૬ રનથી હારી ગયું હતું. આ ટીમમાં માર્ટિન ગપ્ટિલના ૩૬ રન સૌથી વધુ હતા. એકેય વિકેટ ન લઈ શક્નાર અઝહર મહમૂદ ૨૩ રન બનાવી શક્યો હતો. પર્થ સ્કૉર્ચર્સના માઇકલ બિયર નામના બોલરે માત્ર ૧૩ રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

સેમીમાં પહોંચીને આ વર્ષની આઇપીએલના પૉઇન્ટ્સ-ટેબલની મોખરાની ટીમ દિલ્હી ડેરડેવિલ્સે સાઉથ આફ્રિકાની ચૅમ્પિયન્સ લીગમાં ભારતનું નાક બચાવી લીધું છે.

સેમીમાં કોણ કોની સામે?

આવતી કાલે

દિલ્હી ડેરડેવિલ્સ V/S હાઇવેલ્ડ લાયન્સ

ડર્બન, રાત્રે ૯.૦૦

શુક્રવારે

સિડની સિક્સર્સ V/S ટાઇટન્સ

સેન્ચુરિયન, રાત્રે ૯.૦૦

નોંધ : ફાઇનલ રવિવારે રમાશે.