પંતના પરાક્રમ છતાં ભારત પર હારનો ખતરો

14 January, 2022 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીકાકારોને વિકેટકીપરે લાજવાબ ૧૦૦ રનથી આપ્યો જવાબ, ૨૧૨ રનના ટાર્ગેટ સામે આફ્રિકાના બે વિકેટે ૧૦૧ રન

રિષભ પંત

પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ સિરીઝ આસાનીથી જીતી લેવાનું સપનું જોતી ભારતીય ટીમ માટે સિરીઝની હારનો ખતરો તોળાઈ રહ્યો છે. અત્યાર સુધી સિરીઝમાં સાધારણ પર્ફોર્મન્સને લીધે ટીકાનો સામનો કરી રહેલા વિકેટકીપર રિષભ પંતે તેમને બૅટ વડે જવાબ આપતાં ૧૩૯ બૉલમાં ૪ સિક્સર અને ૬ ફોર સાથે અણમન ૧૦૦ રનનીલાજવાબ ઇનિંગ્સના જોરે ભારતે સાઉથ આફ્રિકા સામે ૨૧૨ રનનો ટાર્ગેટ મૂક્યો હતો. એના જવાબમાં સાઉથ આફ્રિકાએ ઓપનર એઇડન મારક્રમ (૧૬) અને કૅપ્ટન ડીન ઍલ્ગર (૩૦)ની વિકેટ ગુમાવીને બે વિકેટ ૧૦૧ રન બનાવી લીધા હતા. આજે ચોથા અને મોટા ભાગે છેલ્લા દિવસે સાઉથ આફ્રિકાને સિરીઝ જીતવા ૧૧૧ રનની જરૂર છે અન ભારતને ૮ વિકેટની. 
બીજી ટેસ્ટમાં ભારતની જીતને આડે અડીખમ રહેલો કૅપ્ટન અલ્ગરને છેલ્લે જસપ્રીત બુમરાહે આઉટ કરીને ભારત માટે આજે રોમાંચક જીતના દરવાજા ખોલી આપ્યા છે, પણ આફ્રિકાને ફક્ત ૧૧૧ રનની જરૂર છે. આજે ભારત માટે ટેમ્બા બવુમા સૌથી મોટો અવરોધ બની શકે છે.  
પુજારા-રહાણેનો ધી એન્ડ?
આઉટ ઑફ ફૉર્મ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે સિરીઝની છેલ્લી ઇનિંગ્સમાં ટીમની વહારે આવશે એવી આશા સામે ગઈ કાલે ત્રીજા દિવસની રમત શરૂ થયાની ૧૦ જ મિનિટમાં ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. ગઈ કાલે બીજા જ બૉલમાં પુજારા (૯) અને ૧૦ મિનિટ અને ૮ બૉલ બાદ રહાણે (એક રન) આઉટ થઈ ગયો હતો અને ૫૮ રનમાં ચાર વિકેટ ગુમાવીને ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 
ટીકા વચ્ચે પંત આખરે ખીલ્યો
બીજી ટેસ્ટમાં બેજવાબદારીભર્યો શૉટ ફટકારીને આઉટ થયા બાદ ટેસ્ટ ટીમમાં રિષભ પંતને ડ્રૉપ કરવાની ચર્ચા થવા માંડી હતી, પણ ઑસ્ટ્રેલિયાની સિરીઝની જેમ છેલ્લી ટેસ્ટમાં ફરી ખીલ્યો હતો અને અણનમ ૧૦૦ રન સાથે એકલાહાથે ટીમને ૧૯૮ રનના સ્કોર સુધી લઈ ગયો હતો. કૅપ્ટન વિરાટ કોહલીએ ૧૪૩ બૉલ સુધી લડતા રહીને ૨૯ રન બનાવ્યા હતા. ભારતીય ટીમ ૬૭.૩ ઓવરમાં ૧૯૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 

 

sports news cricket news