અજુર્ને પિતા સચિન સામે બૅટિંગ અને વીરુદાદા સામે બોલિંગ કરી

24 December, 2011 04:34 AM IST  | 

અજુર્ને પિતા સચિન સામે બૅટિંગ અને વીરુદાદા સામે બોલિંગ કરી


સાંઈ મોહન


મેલબર્ન, તા. ૨૪
સોમવારે ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦) માટે ગઈ કાલે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય ટીમના પ્લેયરોએ કલાકો સુધી નેટ-પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ એમાં સૌથી મોટું આકર્ષણ સચિન તેન્ડુલકરે જમાવ્યું હતું, કારણ કે તેણે ૩૦ મિનિટ જેટલો સમય પુત્ર અજુર્ન સાથેની પ્રૅક્ટિસમાં વિતાવ્યો હતો. સચિને અજુર્નને બોલિંગ કરીને તેની બૅટિંગ માણી હતી. અજુર્ને ડૅડી સામે રમી લીધા પછી વીરેન્દર સેહવાગને થોડી વાર સુધી બોલિંગ કરીને પોતાનો ડાબા હાથનો ખેલ બતાવ્યો હતો.


અજુર્ન બૅટિંગ અને બોલિંગ બન્નેમાં લેફ્ટી છે
અજુર્નને પિતા સચિન સામે રમતો જોયા પછી નજીકમાં ઊભેલા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન બૅટ્્સમૅન ડીન જોન્સે અજુર્ન સાથે થોડી વાતચીત કરી હતી જેમાં અજુર્ને તેમને થોડા દિવસ પહેલાં પોતે મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ વતી ફટકારેલી આક્રમક સેન્ચુરીની અને બીજી એક મૅચમાં લીધેલી આઠ વિકેટ વિશેની વાતો કરી હતી.


મેલબર્નનો પિચ-રિપોર્ટ શું કહે છે?

સોમવારે મેલબર્નમાં પ્રથમ ટેસ્ટમૅચ જે વિકેટ પર રમાશે એના પર છેલ્લા ચાર વર્ષથી એકેય ટેસ્ટમૅચ નથી રમાઈ. આ પિચ પર ઘાસ ઘણું છે, પરંતુ લીલું ઘાસ જરા પણ નહીં રાખવામાં આવે. જે ટીમના બોલરોની બોલિંગમાં વરાઇટી હશે એ ટીમ વધુ ફાવી જશે એવું પિચ બનાવનાર કૅમેરન હૉજકિન્સનું કહેવું છે.


ટૉસ કા બૉસ કોણ? ધોની કે ક્લાર્ક?
મેલબર્નમાં સોમવારે ટૉસ જીતશે એ ટીમને જીતવાનો વધુ ચાન્સ રહેશે એવું પિચ બનાવનારનું માનવું છે. પ્રથમ દિવસે પહેલી ૩૦ ઓવર પડકારરૂપ બની રહેશે અને ત્યાર પછી પિચ થોડી ફ્લૅટ બનશે અને રનમીટર ઝડપી થઈ શકશે. મહેન્દ્ર સિંહ ધોની ૩૪માંથી ૧૪ ટેસ્ટમાં ટૉસ જીત્યો છે. છેલ્લી પાંચ ટેસ્ટમાં તે એક જ વખત ટૉસ જીત્યો છે. જોકે માઇકલ ક્લાર્ક આઠમાંથી માત્ર બેમાં ટૉસ જીત્યો છે.

સચિનની સદી પર લાખો ડૉલરનો સટ્ટો

સચિન તેન્ડુલકર મેલબર્નની પ્રથમ ટેસ્ટમાં જ ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી કરશે એવી તરફેણમાં ઑસ્ટ્રેલિયામાં અસંખ્ય પન્ટરોએ તેની આ ઐતિહાસિક સદી પર લાખો ડૉલરનો સટ્ટો લગાવ્યો છે. ત્રણ ભારતીયો છેલ્લી વાર ઑસ્ટ્રેલિયામાં સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ ઑસ્ટ્રેલિયામાં કદાચ છેલ્લી વખત ટેસ્ટસિરીઝ રમશે, કારણ કે ભારતની વિદેશી ટેસ્ટસિરીઝ હવે બે વર્ષ સુધી શેડ્યુલમાં નથી.

ટેસ્ટજગતમાં સૌથી વધુ રન બનાવનાર ટોચના ત્રણ બૅટ્સમેનો એક જ ટેસ્ટમાં રમવાનો પહેલો જ બનાવ સોમવારે બનશે. આ ત્રણ પ્લેયરોમાં સચિન તેન્ડુલકર (૧૫,૧૮૩ રન), રાહુલ દ્રવિડ (૧૩,૦૯૪) તેમ જ રિકી પૉન્ટિંગ (૧૨,૬૫૬)નો સમાવેશ છે.ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન માઇક હસીએ સચિન, દ્રવિડ અને પૉન્ટિંગની અનોખી ત્રિપુટી વિશેની ચર્ચામાં ગઈ કાલે ત્યાં સુધી કહ્યું હતું કે ટેસ્ટરનની બાબતમાં મોખરાના ત્રણ બૅટ્સમેનો એક જ મૅચમાં રમ્યા હોય એવું ભવિષ્યમાં ક્યારેય બનશે પણ નહીં.