સાઇક્લિસ્ટ લેજન્ડ આર્મસ્ટ્રૉન્ગ બધા ખિતાબ ગુમાવશે

25 August, 2012 10:07 AM IST  | 

સાઇક્લિસ્ટ લેજન્ડ આર્મસ્ટ્રૉન્ગ બધા ખિતાબ ગુમાવશે

 

આવતા મહિને ૪૧ વર્ષ પૂરાં કરનાર આર્મસ્ટ્રૉન્ગ યુનાઇટેડ સ્ટેટ્સ ઍન્ટિ-ડોપિંગ એજન્સી દ્વારા મૂકવામાં આવેલા ડ્રગ્સ લીધું હોવાના આરોપ સામે છેલ્લા એક દાયકાથી લડી રહ્યો હતો. આર્મસ્ટ્રૉન્ગ આ આરોપોને નકારતો આવ્યો છે અને એને એક કાવતરું ગણાવતો આવ્યો છે. તેણે એક સ્ટેટમેન્ટ બહાર પાડીને જણાવ્યું હતું કે ‘દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે કે તેણે કહેવું પડે કે બસ, હવે બહુ થયું. મારે માટે એ સમય આવી ગયો છે. આ આરોપો સામેની લડતને લીધે મારી ફૅમિલી અને મારા કૅન્સર ફાઉન્ડેશને ખૂબ જ ભોગવવું પડ્યું છે.’

 

 

 તેના આ નિર્ણયને લીધે નિયમ પ્રમાણે ઑગસ્ટ ૧૯૯૮ પછી જીતેલા સાત ટાઇટલ્સ, ૨૦૦૦ સિડની ઑલિમ્પિક્સાં જીતેલો બ્રૉન્ઝ મેડલ અને બીજા અવૉર્ડ્સ તથા ઇનામી રકમ ગુમાવવી પડશે. એ ઉપરાંત તે આજીવન કોઈ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કે કોઈ સ્પર્ધામાં કોચ કે અધિકારી તરીકેની ભૂમિકા પણ નહીં ભજવી શકે.

 

આર્મસ્ટ્રૉન્ગ કૅન્સર સામે લડીને એક પછી એક અનેક ટાઇટલ્સ જીતીને દુનિયાભરમાં હીરો બની ગયો હતો. યુવરાજ સિંહે પણ કૅન્સર સામેની પોતાની લડાઈ વખતે આર્મસ્ટ્રૉન્ગ પાસેથી પ્રેરણા લીધી હતી. આર્મસ્ટ્રૉન્ગને એની જાણ થતાં તેણે યુવરાજને હિંમત આપતો એક વિડિયો-સંદેશો પણ મોકલ્યો હતો.