IPL ઇતિહાસમાં પહેલવહેલી વાર તળિયે રહી ધોની ઍન્ડ કંપની

26 May, 2025 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તળિયાની ટીમ ચેન્નઈએ પાંચ વિકેટે ૨૩૦ રન ખડકી દીધા, નંબર વન ટીમ ગુજરાત ૧૪૭ રનમાં ઑલઆઉટ થઈને ૮૩ રને હારી : ચેન્નઈએ વર્તમાન સીઝનનો પોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો, ૬૨ રનની અંદર છેલ્લી સાતેય વિકેટ ગુમાવીને હાર્યું ગુજરાત

૧૯ બૉલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી બેબી એબી ડિવિલિયર્સ તરીકે જાણીતા ડેવાલ્ડ બ્રેવિસે.

IPL 2025ની ૬૭મી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ૮૩ રને ગુજરાત ટાઇટન્સ સામે જીત મેળવીને પોતાની સીઝનનો અંત કર્યો હતો. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ચેન્નઈ પાંચ વિકેટ ગુમાવીને ડેવાલ્ડ બ્રેવિસ અને ડેવોન કૉન્વેની ધમાકેદાર બૅટિંગના આધારે વર્તમાન સીઝનનો પોતાનો હાઇએસ્ટ ૨૩૦ રનનો સ્કોર ખડકી દીધો હતો. ગુજરાતની ટીમ સાઈ સુદર્શનની ૪૧ રનની ઇનિંગ્સની મદદથી ૧૮.૩ ઓવરમાં ૧૪૭ રને ઑલઆઉટ થઈ હતી.

ચેન્નઈ માટે ગઈ કાલે ડેવાલ્ડ બ્રેવિસ (૨૩ બૉલમાં ૫૭ રન) અને ડેવોન કૉન્વે (૩૫ બૉલમાં બાવન રન)એ સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. યંગ બૅટર્સ આયુષ મ્હાત્રે (૧૭ બૉલમાં ૩૪ રન) અને ઉર્વિલ પટેલ (૧૯ બૉલમાં ૩૭ રન)ની ઇનિંગ્સની મદદથી પણ ચેન્નઈ વર્તમાન સીઝનમાં એક મૅચમાં હાઇએસ્ટ ૧૫ સિક્સર ફટકારવાની સાથે પાવરપ્લેનો પોતાનો ૬૮ રનનો સ્કોર રહ્યો હતો. તેમનો પોતાનો આ સીઝનનો ફાસ્ટેસ્ટ ૧૦૦ રનનો ટીમ-સ્કોર પણ આ મૅચ દરમ્યાન ૮.૫ ઓવરમાં કર્યો હતો. ગુજરાત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના (બાવીસ રનમાં બે વિકેટ) સૌથી પ્રભાવશાળી રહ્યો હતો.

ચેન્નઈના બોલિંગ યુનિટે ૪.૩ ઓવરમાં ૩૦ રનના સ્કોર પર ગુજરાતના કૅપ્ટન શુભમન ગિલ (નવ બૉલમાં ૧૩ રન) સહિત ત્રણ મહત્ત્વપૂર્ણ પ્લેયર્સને આઉટ કર્યા હતા. ગુજરાત માટે ઓપનર સાઈ સુદર્શન (૨૮ બૉલમાં ૪૧ રન) મોટી ઇનિંગ્સ રમી શક્યો હતો. ચેન્નઈના ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ (૧૩ રનમાં ત્રણ વિકેટ) અને સ્પિનર્સ નૂર અહમદ (૨૧ રનમાં ત્રણ વિકેટ) તથા રવીન્દ્ર જાડેજા (૧૭ રનમાં બે વિકેટ)ની શાનદાર બોલિંગને કારણે ગુજરાતે ૬૨ રનની અંદર છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી.

9
એક વેન્યુ પર એક IPL સીઝનમાં હાઇએસ્ટ આટલા ૨૦૦ પ્લસ સ્કોરનો રેકૉર્ડ થયો અમદાવાદમાં. 

ગુજરાત ટાઇટન્સને મળી સૌથી મોટી હાર

તળિયાની ટીમ ચેન્નઈએ નંબર વન ટીમ ગુજરાતને સૌથી મોટી ૮૩ રનની હાર આપી હતી. આ પહેલાં ગુજરાત ચેન્નઈ સામે ૨૦૨૪માં જ પોતાની સૌથી મોટી ૬૩ રનની હાર ભોગવી ચૂક્યું છે. ચેન્નઈની ટીમે IPL ઇતિહાસમાં પહેલી વાર ૧૦મા ક્રમે રહીને સીઝનનો અંત કર્યો હતો. પાંચ વારની ચૅમ્પિયન ચેન્નઈએ આ પહેલાં ૨૦૨૦ અને  ૨૦૨૨માં નવમા ક્રમે સીઝન સમાપ્ત કરી હતી.  

IPL 2025 indian premier league chennai super kings gujarat titans cricket news sports news sports