29 November, 2026 05:59 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મોહમ્મદ શમી ભાજપ પ્રમુખ નીતિન નબીનને મળ્યો
ભારતીય ક્રિકેટર મોહમ્મદના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા અંગેની અટકળો તેજ બની છે. ગઈ કાલે રાત્રે તેણે દિલ્હીમાં ભાજપના પ્રમુખ નીતિન નબીન સાથે મુલાકાત કરી હતી. ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યો છે, અને એવી અટકળો છે કે તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઈ શકે છે. શમીએ ગઈ કાલે રાત્રે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય નેતા નિતિન નાબિન સાથે મુલાકાત કરી હતી. એવી પણ ચર્ચા છે કે જો તે પક્ષમાં જોડાયો છે, તો તેને ભાજપના `લઘુમતી મોરચા` માં કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલીએ દિલ્હીમાં મોહમ્મદ શમી અને નિતિન નાબિન વચ્ચેની આ મુલાકાતનું આયોજન કર્યું હતું. આ મુલાકાત ગઈ કાલે રાત્રે નાબિનની ઑફિસમાં યોજાઈ હતી. અહેવાલો એવું પણ સૂચવે છે કે શમી ભાજપની ટિકિટ પર અમરોહાથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ૬ નવેમ્બરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા મોહમ્મદ શમી હવે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રાહુઓ છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બૉલર મોહમ્મદ શમીએ આ મહિનાની ૬ તારીખે ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય લીધી. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે શમીએ કહ્યું કે, ભારત માટે રમ્યા હોવાનો તેને હંમેશા ગર્વ રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર એક પોસ્ટમાં શમીએ લખ્યું, "હું સફેદ જર્સી છોડી રહ્યો છું, પરંતુ તેની સાથે જોડાયેલી યાદો હંમેશા મારી સાથે રહેશે." ૩૬ વર્ષીય ખેલાડીએ કહ્યું, "મારા માટે ટેસ્ટ ક્રિકેટ માત્ર એક ફોર્મેટ નથી રહ્યું; તે મારા જીવનનો અત્યંત ખાસ હિસ્સો રહ્યો છે. આજે, ભારે હૃદયે અને અસંખ્ય સુંદર યાદો સાથે, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે. મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, પરિવારના સભ્યો અને લાખો ભારતીયોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે આ સમગ્ર સફર દરમિયાન મારો સાથ આપ્યો અને સારા તેમજ ખરાબ – બન્ને સમયમાં મારા પર વિશ્વાસ જાળવી રાખ્યો."
ઉત્તર પ્રદેશના અમરોહા ગામમાં જન્મેલા ૩૬ વર્ષના શમીએ ૬૪ ટેસ્ટમાં ૨૨૯ વિકેટ ઝડપી છે, જેમાં પાંચ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે એથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે. ડિસેમ્બર ૨૦૧૮માં પર્થ ખાતે ઑસ્ટ્રેલિયા સામે ૫૬ રન આપીને ૬ વિકેટ ઝડપી એ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન રહ્યું હતું. ઈજાઓને કારણે ભારતીય ટીમમાંથી બહાર થયા પછી ફિટનેસ પાછી મેળવી લીધા બાદ પણ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારા પર્ફોર્મન્સ છતાં છેલ્લા થોડા સમયથી મોહમ્મદ શમીની અવગણના થઈ રહી હતી. ટેસ્ટ-સ્ક્વૉડમાં પુનરાગમનની શક્યતાઓ ધૂંધળી જણાતાં આખરે તેણે આ ફૉર્મેટમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો હોય એમ જણાય છે.