વિશાખાપટ્ટનમની મૅચમાં ધોનીની ક્ષમતાનો પરચો મળ્યો હતો : નેહરા

06 April, 2020 01:30 PM IST  |  New Delhi | Agencies

વિશાખાપટ્ટનમની મૅચમાં ધોનીની ક્ષમતાનો પરચો મળ્યો હતો : નેહરા

મહેન્દ્ર સિંહ ધોની અને આશિષ નેહરા

બરાબર ૧૫ વર્ષ પહેલાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની પહેલી ઇન્ટરનૅશનલ વન-ડે સેન્ચુરી પાકિસ્તાન સામે વિશાખાપટ્ટનમમાં ફટકારી હતી. પાંચ વન-ડે મૅચની સિરીઝ ભારતે ૪-૧થી ગુમાવવી પડી હતી, પણ એમાંની એક મૅચ જે ભારતીય ટીમ જીતી હતી એમાં મહેન્દ્ર સિંહ ધોનીની ક્ષમતાનો પરચો મળી ગયો હતો.

પાકિસ્તાન સામેની એ મૅચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૨૩ બૉલમાં ૧૪૮ રન ફટકાર્યા હતા અને આશિષ નેહરાએ ચાર વિકેટ લઈને ભારતીય ટીમને ૫૮ રનથી વિજય અપાવ્યો હતો. એમ મૅચને યાદ કરતાં ધોની વિશે નેહરાએ કહ્યું કે ‘એ ઇનિંગથી ભારતીય ટીમને વિશ્વાસ બેસી ગયો કે ધોની એક સારો વિકેટકીપર-બૅટ્સમૅન છે. તેની શરૂઆતની મૅચો સારી નહોતી રહી, પણ જેમ-જેમ તેનામાં આત્મવિશ્વાસ વધતો ગયો તેમ-તેમ તે મળતી તકનો લાભ ઉઠાવતો ગયો અને આગળ વધતો રહ્યો. ધોનીની તાકાત તેનો આત્મવિશ્વાસ છે. વિશાખાપટ્ટનમની ઇનિંગમાં તેની ક્ષમતાનો દરેકને પરચો મળી ગયો હતો. તેને રન બનાવવાની કેટલી ભૂખ છે એ પણ દેખાઈ રહ્યું હતું. તે ભાગ્યે જ ત્રીજા નંબરે બૅટિંગ કરવા આવતો. અમે એ સિરીઝની ચાર મૅચ હારી ચૂક્યા હતા, પણ એ દરમ્યાન જ અમને ધોની મળી આવ્યો.’

ધોની વિશે અને તેની વિકેટકીપિંગ વિશે વધારે વાત કરતાં નેહરાએ કહ્યું કે ‘જ્યારે શરૂઆતમાં ધોની આવ્યો હતો ત્યારે તે બેસ્ટ વિકેટકીપર નહોતો. તેની આજુબાજુના લોકો તેનાથી વધારે સારી ગેમ રમતા હતા, પણ એવું નહોતું કે તે સારો વિકેટકીપર ન બની શકત. તેનું ડિસિપ્લિન, તેની ધગશ અને તેનામાં રહેલો આત્મવિશ્વાસ તેને બીજા કરતાં જુદો પાડતો હતો. ધોની એ કામ કરી ગયો જે દિનેશ કાર્તિક અને પાર્થિવ પટેલ ન કરી શક્યા. તેણે દરેક મળેલી તકનો લાભ લીધો અને પોતે બેસ્ટ વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો. તેણે પોતે ગેમ પર ઘણું કામ કર્યું અને એમાં સુધારો પણ કર્યો.’

નોંધનીય છે કે વર્લ્ડ કપ સેમી ફાઇનલ બાદ મહેન્દ્ર સિંહ ધોની એક પણ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો નથી જેને કારણે તેની રિટાયરમેન્ટની ચર્ચાએ જોર પકડ્યું છે. એવામાં માહીની જગ્યાએ રિષભ પંતને વિકેટકીપરની જવાબદારી આપવામાં આવી રહી છે અને એ વિશે નેહરાનું માનવું છે કે રિષભ પંત એકમાત્ર એવો વિકેટકીપર બની શકે છે જે ધોનીની વધારે નજીક જઈને તેના જેવી ગેમ રમી શકે છે. એ માટે તેણે સારી એવી મહેનત કરવી પડશે, કારણ કે હજી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેનો અનુભવ ઘણો ઓછો છે.

ashish nehra ms dhoni cricket news sports news