17 September, 2023 03:15 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
નસીમ શાહ
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નસીમ શાહ જમણા ખભામાં થયેલી ગંભીર ઈજાને કારણે ભારતમાં શરૂ થનારા આગામી વર્લ્ડ કપમાં ભાગ નહીં લઈ શકે. એશિયા કપમાં ભારત સામેની સુપર-ફોરની મૅચમાં ૨૦ વર્ષના આ બોલરને ઈજા થઈ હતી. કોલંબો અને દુબઈમાં કરવામાં આવેલા એમઆરઆઇ સ્કૅનમાં આ વાત સાબિત થઈ ગઈ છે છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ યુકેના નિષ્ણાત પાસે વધુ એક અભિપ્રાય લેવા માગે છે. જમણા ખભાના સ્નાયુમાં થયેલી ઈજાને કારણે નસીમ ભારતીય ઇનિંગ્સની ૪૬મી ઓવરમાં મેદાનની બહાર જતો રહ્યો હતો. પીસીબીનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે નસીમને યુકે મોકલવામાં આવશે, કારણ કે ટીમ ઇચ્છે છે કે નસીમ વર્લ્ડ કપના સેકન્ડ હાફમાં રમી શકે. જોકે તેના ખભામાં થયેલી ઈજા ગંભીર છે એને જોતાં તેને સાજો થવામાં ઘણી વાર લાગી શકશે. વર્લ્ડ કપ જ નહીં, ત્યાર બાદ ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ મૅચની ટેસ્ટ સિરીઝને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.