પાકિસ્તાન સામે ૩૫ મહિના બાદ ટી૨૦ જીત્યું ન્યુ ઝીલૅન્ડ

19 December, 2020 11:24 AM IST  |  Auckland | Agencies

પાકિસ્તાન સામે ૩૫ મહિના બાદ ટી૨૦ જીત્યું ન્યુ ઝીલૅન્ડ

શાનદાર ડૅબ્યુ: જૅકબ ડફી

ત્રણ મૅચની સિરીઝની ગઈ કાલે ઓકલૅન્ડમાં રમાયેલી પ્રથમ ટી૨૦ મૅચમાં ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે પરાસ્ત કરીને સિરીઝમાં ૧-૦થી લીડ લઈ લીધી હતી. પાકિસ્તાને આપેલલો ૧૫૪ રનનો ટાર્ગેટ કિવી ટીમે ૧૮.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. આ સાથે ન્યુ ઝીલૅન્ડે પાકિસ્તાન સામે સતત પાંચ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચના હારના સિલસિલાને તોડી નાખ્યો હતો. કિવીઓ પાકિસ્તાન સામે છેલ્લે ૨૨ જાન્યુઆરી ૨૦૧૮માં જીત્યા હતા અને ત્યાર બાદ સતત પાંચ મૅચમાં હાર જોવી પડી હતી.
ન્યુ ઝીલૅન્ડની જીતનો હીરો રહ્યો હતો પ્રથમ મૅચ રમી રહેલો જૅકબ ડફી. ડફીએ ચાર ઓવરમાં ૩૨ રન આપીને ચાર વિકેટ લીધી હતી. એ ઉપરાંત ઓપનર ટિમ સીફર્ટે શાનદાર હાફ-સેન્ચુરી (૪૩ બૉલમાં ૫૭ રન) સાથે જીતનો પાયો નાખ્યો હતો.
પાકિસ્તાને ૪.૧ ઓવરમાં ૨૦ રનમાં ચાર વિકેટ ગુમાવીને ભૂંડી શરૂઆત કરી હતી. કૅપ્ટન શાદાબ ખાન (૩૨ બૉલમાં ૪૨) અને ઑલરાઉન્ડર ફહીમ અસરફ (૧૮ બૉલમાં ૩૧)ની કમાલને લીધે પાકિસ્તાન ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૩ રનના ચૅલેન્જિંગ સ્કોર સુધી પહોંચી શક્યું હતું. કિવીઓએ પણ ૨૧ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પણ સિફર્ટ, ગ્લેન ફિલિપ્સ (૧૮ બૉલમાં ૨૩), માર્ક ચૅપમૅન (૨૦ બૉલમાં ૩૪ રન), ઑલરાઉન્ડર જિમી નીશામ (૧૦ બૉલમાં ૧૫) અને કૅપ્ટન મિચલ સૅન્ટનર (૮ બૉલમાં અણનમ ૧૨)ની ઉપયોગી ઇનિંગ્સ વડે ૭ બૉલ બાકી રાખીને વિજય મેળવી લીધો હતો.બીજી ટી૨૦ આવતી કાલે રમાશે.

t20 t20 international pakistan cricket news