‘૨૦૨૨ના ચૅમ્પિયન’ ગુજરાત અને ૨૦૦૮ના સૌપ્રથમ વિજેતા રાજસ્થાન વચ્ચે આજે ટક્કર

24 May, 2022 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાતક બોલિંગ-આક્રમણ અને ઘણા મૅચ-ફિનિશર્સ ધરાવતી આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ પહેલી જ સીઝનમાં નંબર-વન રહ્યા બાદ આજે ૨૦૦૮ની પ્રથમ ચૅમ્પિયન ટીમ અને મૅચ-વિનિંગ સ્પિનરોનો સમાવેશ ધરાવતી રાજસ્થાન રૉયલ્સની ટીમ સામે ટકકર ઝીલશે.

હાર્દિકની ટીમે સૅમસનની ટીમને ૧૪ એપ્રિલે ૩૭ રનથી હરાવી હતી.

ઘાતક બોલિંગ-આક્રમણ અને ઘણા મૅચ-ફિનિશર્સ ધરાવતી આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ પહેલી જ સીઝનમાં નંબર-વન રહ્યા બાદ આજે ૨૦૦૮ની પ્રથમ ચૅમ્પિયન ટીમ અને મૅચ-વિનિંગ સ્પિનરોનો સમાવેશ ધરાવતી રાજસ્થાન રૉયલ્સની ટીમ સામે ટકકર ઝીલશે.
આજે કલકત્તામાં વરસાદ પડવાની આગાહી છે.
આજે ગુજરાતની ટીમ જીતવા માટે ફેવરિટ છે. આજે જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે અને પરાજિત થનારી ટીમે આવતી કાલની એલિમિનેટરમાં વિજેતા થનારી ટીમ સામે રમવું પડશે. જો ગુજરાત આજે જીતશે તો ક્રિકેટજગતની આ સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને ૨૯ મેએ (ફાઇનલને અંતે) નવું વિજેતા મળી શકે. જો આજે રાજસ્થાન જીતશે તો ફાઇનલમાં પહોંચ્યા બાદ વિજય મેળવીને ૧૩ સીઝન પછી આ ફ્રૅન્ચાઇઝી બીજું વિજેતાપદ સદ્ગત શેન વૉર્નને અર્પણ કરી શકશે.
ગુજરાતની ટીમ આ વખતની આઇપીએલના સૌથી સફળ સુકાની અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ફરી એક વાર જીતવાના જોશ સાથે મેદાન પર ઊતરશે. તેની સામે હશે વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનની ટીમ. હાર્દિક પાસે ડેવિડ મિલર, રાશિદ ખાન, રાહુલ તેવતિયા જેવા મૅચ-વિનર્સ અને શુભમન ગિલ તથા વૃદ્ધિમાન સાહા જેવા ટૉપ-ઑર્ડરના બૅટર્સ છે. અલ્ઝારી જોસેફ, મોહમ્મદ શમી તેમ જ બી. સાઇ સુદર્શન અને આર. સાઇ કિશોર પણ ગુજરાતના સંભવિત વિજયમાં યોગદાન આપી શકે. સામી બાજુએ સૅમસન પાસે સર્વશ્રેષ્ઠ બૅટર જૉસ બટલર (૬૨૯ રન) અને બેસ્ટ બોલર યુઝવેન્દ્ર ચહલ (૨૬ વિકેટ) છે.
એ ઉપરાંત ઇન-ફૉર્મ બૅટર યશસ્વી જૈસવાલ તેમ જ રવિચન્દ્રન અશ્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, શિમરૉન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રિયાન પરાગ, ઑબેડ મૅકૉય, કુલદીપ સેન, કુલદીપ યાદવ, રૅસી વૅન ડર ડુસેન, કરુણ નાયર, જેમ્સ નીશૅમ અને ડેરિલ મિચલ સહિતના ઉપયોગી બની શકે એવા ખેલાડીઓ પણ રાજસ્થાન પાસે છે.

cricket news ipl 2022 gujarat titans rajasthan royals