22 March, 2026 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટ ટીમ (તસવીર: મિડ-ડે)
વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યા બાદ ટીમ ઇન્ડિયા પોતાની પહેલી દ્વિપક્ષીય T20 સિરીઝ આયરલૅન્ડ સામે રમશે. ક્રિકેટ આયરલૅન્ડ અને ક્રિકેટ બોર્ડે ગઈ કાલે આ સિરીઝની ઑફિશ્યલ જાહેરાત કરી છે. ૨૬ અને ૨૮ જૂને ટીમ ઇન્ડિયા આયરલૅન્ડમાં બે મૅચની T20 સિરીઝ રમશે. IPL 2026 બાદ ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ૬થી ૨૦ જૂન વચ્ચે એક ટેસ્ટ-મૅચ અને ત્રણ વન-ડે મૅચ રમશે. ૧થી ૧૯ જુલાઈ વચ્ચે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં પાંચ T20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ની તૈયારી માટે ક્રિકેટ બોર્ડ અન્ય કેટલીક વન-ડે સિરીઝ ગોઠવવાનો પ્રયાસ પણ કરી રહી છે.
ક્રિકેટ આયરલૅન્ડ ‘યુરો નેશન્સ કપ’ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એશિયા કપથી પ્રેરિત થઈને મુઠ્ઠીભર યુરોપિયન ટીમ ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ, નેધરલૅન્ડ્સ અને ઇટલી વચ્ચે T20 ફૉર્મેટમાં મેન્સ-વિમેન્સ યુરો નેશન્સ કપ રમાઈ શકે છે. ૨૦૨૭માં આ ટુર્નામેન્ટનો શુભારંભ થાય એ માટે આયરલૅન્ડ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ યુરોપિયન ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે.
ઑગસ્ટ ૨૦૨૬ માટે અફઘાનિસ્તાન મેન્સ ટીમ આયરલૅન્ડમાં પાંચ વન-ડે મૅચની સિરીઝ રમશે. તાલિબાન દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવતા ગેરવર્તનનો ૨૦૨૧માં વિરોધ કરનાર ક્રિકેટ આયરલૅન્ડે વિમેન્સ અફઘાની ટીમને પણ સિરીઝ રમવા આમંત્રણ મોકલ્યું છે. જોકે શેડ્યુલ હજી નક્કી થયું નથી. તાલિબાન શાસનની વાપસી બાદ દેશમાંથી ભાગી ગયેલી અફઘાની વિમેન્સ ટીમ ઇન્ટરનૅશનલ મૅચ રમી શકી નથી અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો ત્યાંની સરકારનો સહારો લઈને જીવી રહી છે.