ઑસ્ટ્રેલિયન ક્રિકેટના અધિકારીઓ હારતોરા લઈને ઊભા રહ્યા, પણ ટીમ ઇન્ડિયા ન આવી

23 November, 2014 05:53 AM IST  | 

ઑસ્ટ્રેલિયન ક્રિકેટના અધિકારીઓ હારતોરા લઈને ઊભા રહ્યા, પણ ટીમ ઇન્ડિયા ન આવી




ઑસ્ટ્રેલિયન ક્રિકેટના અધિકારીઓ શનિવારે સવારે ઘણા વ્યસ્ત હતા, કારણ કે ટીમ ઇન્ડિયા ટેસ્ટ તથા વન-ડે સિરીઝ રમવા માટે આવી રહી હતી. જોકે તેમને ટીમ ઇન્ડિયાનો આવવાનો સમય ખોટો મળ્યો હતો. બાદમાં સ્પષ્ટતા થતાં તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ૧૮ સભ્યોની ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયન સમય મુજબ સવારે ૯ વાગ્યે ઍડીલેડમાં આવવાની હતી. ટીમને આવકારવા માટે ઑસ્ટ્રેલિયન ક્રિકેટના અધિકારીઓ તૈયાર હતા. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટમાંથી તેમને સલામત રીતે લઈ જવાય એ માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાના કેટલાક ચાહકો પણ ઍરપોર્ટ પર પોતાના ફોન સાથે તૈયાર હતા જેથી તેમના ચહીતા હીરોના ફોટોગ્રાફ્સ લઈ શકાય, પરંતુ તેઓ આવ્યા જ નહીં. જ્યારે તેમનો આવવાનો સમય જણાવવામાં આવ્યો હતો ત્યારે તો ખરેખર ટીમ ઇન્ડિયા સિંગાપોર ઍરપોર્ટ પર હતી. ૧૦ વાગ્યે તમામને ખબર પડી કે ટીમ ઇન્ડિયા આવવાની નથી તો ધીમે-ધીમે ત્યાં હાજર રહેલા લોકો તથા મીડિયા ત્યાંથી જવા લાગ્યાં હતાં.