પ્રીમિયર લીગમાં કોવિડથી હાહાકારઃ અઠવાડિયામાં ૪૨ કોરોના-ટેસ્ટ પૉઝિટિવ

15 December, 2021 04:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅન્ચેસ્ટર યુનાઇટેડ સહિત ૬ ટીમના પ્લેયરો-સ્ટાફ સંક્રમિત ઃ બે મૅચ મુલતવી

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડની ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં સાત દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ પૉઝિટિવ કેસનો વિક્રમ બન્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ લીગના કુલ મળીને ૪૨ પ્લેયરો તથા સ્ટાફ-મેમ્બરોના પૉઝિટિવ રિપોર્ટ આવ્યા છે. અગાઉ સાત દિવસમાં સૌથી વધુ ૪૦ કેસની ઘટના જાન્યુઆરીમાં બની હતી. એ અઠવાડિયામાં ૨૨૯૫ લોકોની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી, જ્યારે આ વખતે ૬થી ૧૨ ડિસેમ્બર દરમ્યાન ૩૮૦૫ ખેલાડીઓ અને ક્લબના સ્ટાફ-મેમ્બરોનાં સૅમ્પલ્સ પરીક્ષણ માટે લેવામાં આવ્યાં છે.
કુલ ૬ ટીમના પ્લેયરો-સ્ટાફ મેમ્બરોના કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે અને એમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ, ટૉટનહૅમ, બ્રાઇટન, લેસ્ટર, ઍસ્ટન વિલા અને નોર્વિચનો સમાવેશ છે. ટૉટનહૅમ-બ્રાઇટનની રવિવારની મૅચ પછી મૅન્ચેસ્ટર યુનાઇટેડ-બ્રેન્ટફર્ડની સોમવારની મૅચ પણ મોકૂફ રાખવામાં આવી હતી.
ઈપીએલમાં એક અઠવાડિયામાં સૌથી વધુ ૪૨ કેસની ઘટના બની એ પહેલાંના સપ્તાહ (૨૯ નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર)માં માત્ર ૧૨ કેસ નોંધાયા હતા, પણ એક અઠવાડિયામાં એ સંખ્યાઆં ઓચિંતો ૩૦નો વધારો થયો છે. આનું પરિણામ એ છે કે ગયા ગુરુવારથી ઇંગ્લૅન્ડમાં કોવિડને લગતા તાકીદના નિયમો લાગુ કરાયા છે અને દરેકને પ્રોટોકોલનો ભંગ ન કરવાનો આદેશ અપાયો છે.

sports news cricket news coronavirus