સાતમો પ્લેયર નીકળ્યો કોરોના-પૉઝિટિવ

29 November, 2020 10:43 AM IST  |  Christchurch | Agency

સાતમો પ્લેયર નીકળ્યો કોરોના-પૉઝિટિવ

શોએબ અખ્તર

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ન્યુ ઝીલૅન્ડની ટૂર મુસબીતોથી ભરેલી સાબિત થઈ રહી છે. અગાઉ પાકિસ્તાનની ટીમના ૬ પ્લેયર કોરોના-પૉઝિટિવ આવ્યા બાદ શુક્રવારે વધુ એક પ્લેયરનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ સાતેય પ્લેયરોને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

૨૪ નવેમ્બરે ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યા બાદ પાકિસ્તાન ટીમ હાલમાં ૧૪ દિવસ ફરજિયાત ક્વૉરન્ટીનમાં છે. શુક્રવારે આઇસોલેશનના ત્રીજા દિવસે પ્લેયરોની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં એક પ્લેયર કોરોના-પૉઝિટિવ હતો. આઇસોલેશનના ત્રીજા, છઠ્ઠા અને બારમા દિવસે મહેમાન ટીમના પ્લેયરોની કોરોના-ટેસ્ટ કરવાના ક્રમમાં આગામી ટેસ્ટ આવતી કાલે થશે.

ન્યુ ઝીલૅન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ‘પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વધુ એક પ્લેયર નિયમિત ટેસ્ટ દરમ્યાન પૉઝિટિવ જોવા મળ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યાના ત્રીજા દિવસે મહેમાન ટીમની ટેસ્ટ કરવામાં આવી હતી.’

હોટેલમાં ક્વૉરન્ટીન દરમ્યાન પાકિસ્તાનની સ્ક્વૉડે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમને ન્યુ ઝીલૅન્ડના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.

બન્ને દેશો વચ્ચે ત્રણ ટી૨૦ અને બે ટેસ્ટ મૅચની સિરીઝ ૧૮ ડિસેમ્બરથી શરૂ થવાની છે.

ઉલ્ટા ચોર કોતવાલનો ડાંટે

ન્યુ ઝીલૅન્ડે વૉર્નિંગ આપી તો ભડક્યો અખ્તર શોએબ, કહ્યું... ‘ટૂર પર આવીને અમે તમારા પર કરી મહેરબાની’

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પ્લેયર્સ કોરોના-પૉઝિટિવ થતાં ન્યુ ઝીલૅન્ડ તરફથી તેમને વૉર્નિંગ આપવામાં આવી હતી. આ વૉર્નિંગ અપાતાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ભડકી ગયો હતો. તેના મતે પાકિસ્તાને આ ટૂર પર જઈને ન્યુ ઝીલૅન્ડ પર મહેરબાની કરી છે. પોતાની યુટ્યુબ ચૅનલ પર શોએબ અખ્તરે કહ્યું કે ‘હું ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડને સંદેશ મોકલવા માગું છું. આ કોઈ ક્લબની ટીમ નથી, પાકિસ્તાનની ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમ છે. અમને તમારી જરૂર નથી કે નથી અમારું ક્રિકેટ ખતમ થઈ ગયું. તમને બ્રૉડકાસ્ટિંગ રાઇટ્સના પૈસા મળે એ માટે તમારે આ કપરા સમયમાં અમારી ટીમે તમારા ત્યાંનો પ્રવાસ કર્યો એ બદલ અહેશાનમંદ હોવું જોઈએ. પાકિસ્તાન ધરતીનો એક મહાન દેશ છે માટે તેના વિશે ગમે એવી વાત ન કરો. આવી ટિપ્પણીઓ સારી નથી લાગતી. આગળથી ધ્યાન રાખજો. હવે પાકિસ્તાનની ટીમની એ જવાબદારી છે કે એ ન્યુ ઝીલૅન્ડને ખરાબ રીતે હરાવે.’

pakistan cricket news sports news coronavirus covid19