80 લાખ રૂપિયા ડોનેટ કર્યા રોહિત શર્માએ

01 April, 2020 12:22 PM IST  |  Mumbai | Agencies

80 લાખ રૂપિયા ડોનેટ કર્યા રોહિત શર્માએ

રોહિત શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના હિટ-મૅન રોહિત શર્માએ કોરોનાના ઇલાજ માટે ૮૦ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. રોહિતે જણાવ્યું કે તેણે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન અસિસ્ટન્સ ઍન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચુએશન ફન્ડ (પીએમ કૅર ફન્ડ)માં ૪૫ લાખ રૂપિયા, મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં ૨૫ લાખ રૂપિયા, ઝોમૅટ ફીડિંગ ઇન્ડિયામાં પાંચ લાખ રૂપિયા અને રખડતા શ્વાનોના કલ્યાણ માટે પાંચ લાખ રૂપિયા મળી કુલ ૮૦ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. આ પહેલાં રોહિતે દેશના નાગરિકોને સંબોધતાં કહ્યું કે આ સમયમાં આપણે આપણા લીડરોને સપોર્ટ કરવો જોઈએ અને દેશહિતમાં આપણી જવાબદારી પૂરી કરવી જોઈએ. રોહિત પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સાથે મળીને ત્રણ કરોડ રૂપિયાનું દાન આપવાનાં હોવાની ચર્ચા ચાલી હતી. મિતાલી રાજ, દીપ્તિ શર્મા, બજરંગ પુનિયા, હિમા દાસ, સાનિયા મિર્ઝા જેવા અનેક પ્લેયરોએ પણ આગળ આવી કોરોના સામેની લડાઈમાં સરકારને મદદરૂપ બનવાના ભાગરૂપે પોતપોતાનું યોગદાન આપ્યું છે.

રોહિતને પોતાનો આદર્શ માને છે હૈદર અલી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઊભરતા યુવા સ્ટાર હૈદર અલીનું કેહવું છે કે તે ક્રિકેટ જગતમાં હિટ-મૅન રોહિત શર્માને તેની સ્ટ્રાઇક-રેટને લીધે પોતાનો આદર્શ માને છે. પાકિસ્તાન સુપર લીગમાં હૈદરે ૯ મૅચમાં ૨૩૯ રન બનાવ્યા હતા. ત્યાર બાદ રમીઝ રાજા જેવા ભૂતપૂર્વ પાકિસ્તાનના ક્રિકેટરે તેનાં વખાણ પણ કર્યાં હતાં. રાજાના મતે જો હૈદર પાસેથી સારો પર્ફોર્મન્સ કઢાવવો હોય તો તેને ત્રીજા નંબરે બૅટિંગ માટે મોકલવો બેસ્ટ છે. રાજાએ હૈદરને વિરાટ કોહલી અને બાબર આઝમ જેવો ટૅલન્ટેડ પણ ગણાવ્યો છે. જોકે હૈદરે તો રોહિત શર્મા જેવું બનવું છે. આ વિશે વધુ જણાવતાં હૈદરે કહ્યું કે ‘મારો આદર્શ રોહિત શર્મા છે. મને તેના સ્ટ્રાઇક-રેટ સૌથી વધારે ગમે છે અને હું એવી જ સ્ટ્રાઇક-રેટ મારી ગેમમાં પણ મેળવવા માગું છું.’

coronavirus rohit sharma cricket news sports news