પાકિસ્તાનની ટીમને ભારતે મહિલા ટી૨૦માં કચડી નાખી

01 August, 2022 12:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૯૯ રનમાં આઉટ કરી ૩૮ બૉલ બાકી રાખીને જીતી : સ્મૃતિ મંધાનાના અણનમ ૬૩

સ્મૃતિ મંધાનાએ આક્રમક બૅટિંગમાં ત્રણ સિક્સર ફટકારી હતી (તસવીર : પી.ટી.આઇ.)

કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલી જ વાર રમાતી મહિલાઓની ટી૨૦ ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૯૯ રને ઑલઆઉટ કર્યા પછી ૮ વિકેટના માર્જિનથી અને ૩૮ બૉલ બાકી રાખીને હરાવી દીધી હતી. સ્મૃતિ મંધાના (૬૩ અણનમ, ૪૨ બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) આ મૅચની સ્ટાર-પ્લેયર હતી.

વરસાદને કારણે ટી૨૦ મૅચ ટી૧૮માં ફેરવાઈ ગઈ હતી.

બિસ્માહ મારુફે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી, પરંતુ તેની ટીમ માત્ર ૯૯ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્રણ બૅટર્સ રનઆઉટ થઈ હતી. સ્નેહ રાણા અને રાધા યાદવે બે-બે વિકેટ, જ્યારે રેણુકા સિંહ તેમ જ મેઘના સિંહ અને ઓપનર શેફાલી વર્માએ એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તાનની ટીમે ત્રણ ખરાબ તબક્કા જોયા હતા. ૯મી ઓવરમાં એની બે વિકેટ અને ૧૭મી ઓવરમાં ફરી બે વિકેટ પડ્યા બાદ ૧૮મી ઓવરમાં છેલ્લી ત્રણ વિકેટ પડી ગઈ હતી.

૨૦૨૦ના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારેલી ભારતીય ટીમના ઓપનિંગમાં શેફાલી અને મંધાનાએ સારી શરૂઆત કરીને જીતનો પાયો નાખ્યો હતો. શેફાલી ૧૬ રન બનાવીને ૬૧ રનના સ્કોર પર આઉટ થયા બાદ મંધાનાને એસ. મેઘના (૧૬ બૉલમાં ૧૪ રન)એ સાથ આપ્યો હતો. મંધાનાએ ૧૨મી ઓવરના ચોથા બૉલમાં બાઉન્ડરી ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.

sports news sports indian womens cricket team cricket news t20