મને કૉફી બહુ મોંઘી પડી, હવે હું ગ્રીન ટી પીઉં છું: હાર્દિક પંડ્યા

27 April, 2020 01:26 PM IST  |  New Delhi | Agencies

મને કૉફી બહુ મોંઘી પડી, હવે હું ગ્રીન ટી પીઉં છું: હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

૨૦૧૯માં ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર લોકેશ રાહુલ અને હાર્દિક પંડ્યા કરણ જોહરના ફેમસ ટૉક‍-શો ‘કૉફી વિથ કરન’માં આવ્યા હતા. આ શોમાં આપેલા એક સવાલના જવાબને કારણે તેઓ વિવાદમાં ફસાયા હતા અને ભારતીય ટીમમાંથી કેટલાક સમય માટે સસ્પેન્ડ પણ કરાયા હતા. જોકે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર દિનેશ કાર્તિક અને ભાઈ કૃણાલ પંડ્યા સાથે વાતચીત કરતાં હાર્દિકે કરણના આ શોની મજાક ઉડાડી હતી અને કહ્યું હતું કે મને કૉફી બહુ ભારે પડી હતી એટલે હવે હું ગ્રીન ટી પીઉં છું. આ વિશે વાત કરતાં હાર્દિકે કહ્યું કે ‘હું કૉફી નથી પીતો. એને બદલે હું હવે ગ્રીન ટી પીઉં છું. મેં એક વાર કૉફી પીધી હતી અને એ મને ઘણી મોંઘી પડી હતી. હું બેટ (શરત) લગાડું છું કે સ્ટારબક્સમાં પણ આટલી મોંઘી કૉફી નહીં મળતી હોય. ત્યારથી મેં કૉફીથી દૂર રહેવાનું શરૂ કરી દીધું હતું.’

નોંધનીય છે કે હાર્દિક પંડ્યા કેટલાક સમય પહેલાં ઇન્જરીથી પીડાતો હતો જેને કારણે તે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ નહોતો થઈ શક્યો. જોકે હવે લૉકડાઉનને કારણે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.

ખાલી સ્ટેડિયમમાં આઇપીએલ રમાડવાનો વિકલ્પ સ્માર્ટ છે : હાર્દિક

આઇપીએલની તેરમી સીઝનનું શ્રીગણેશ ક્યારથી થશે એ પ્રશ્ન હવે એક કોયડો બની ગયો છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે ખાલી સ્ટેડિયમમાં આઇપીએલ રમવા માટેનો વિકલ્પ સ્માર્ટ છે.

સોશ્યલ મીડિયા પર દિનેશ કાર્તિક સાથે વાત કરતાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે ‘એ માહોલ એકદમ અલગ જ હશે. આપણે દર્શકોની સામે રમવાથી ટેવાયેલા છીએ જેથી કરીને એક કૉમ્પિટિશનની ફીલિંગ આપણામાં બની રહે. હું ક્રાઉડ વગર ખાલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી રમ્યો છું અને એની ફીલિંગ અલગ જ હોય છે. સાચું કહું તો જો આઇપીએલ ખાલી સ્ટેડિયમમાં માણવામાં આવે તો એ એક સ્માર્ટ ઑપ્શન હશે. કમસે કમ લોકો ઘરે શાંતિથી બેસીને એન્જૉય તો કરી શકશે. બીજી બાજુ આપણે જોઈએ તો આવી પરિસ્થિતિમાં ઘણા કિન્તુ-પરંતુ સામેલ છે અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી જો લોકોના જીવનને જોખમ હોય તો સ્પોર્ટ્સ ન રમાવી જોઈએ.’

નોંધનીય છે કે આઇપીએલના સંદર્ભમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આઇપીએલ આ વર્ષે થાય કે ન પણ થાય. તાજેતરમાં આ ટુર્નામેન્ટને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. બીજી બાજુ શ્રીલંકાએ આ ટુર્નામેન્ટ પોતાના દેશમાં યોજવાની તૈયારી બતાવી છે.

hardik pandya dinesh karthik koffee with karan cricket news sports news