લેફ્ટી સ્પિનર કુલદીપ યાદવને ચૅમ્પિયન્સ લીગ ફળી

05 October, 2014 05:40 AM IST  | 

લેફ્ટી સ્પિનર કુલદીપ યાદવને ચૅમ્પિયન્સ લીગ ફળી




આઠમી ઑક્ટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂ થઈ રહેલી પાંચ વન-ડે ઇન્ટરનૅશનલ સિરીઝની પહેલી ત્રણ મૅચો માટે સિલેક્ટરોએ ૧૪ મેમ્બરોની ટીમની પસંદગી કરી હતી જેમાં સ્પિન ડિપાર્ટમેન્ટના મુખ્ય સ્પિનર આર. અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે. જોકે દેશમાં એક પણ વન-ડે નહીં રમનારા પણ હાલમાં રમાયેલી ચૅમ્પિયન્સ લીગ T20માં કલકત્તા નાઇટ રાઇડર્સ વતી સારો દેખાવ કરનારા લેફ્ટી સ્પિનર અને ચાઇનામૅન તરીકે ઓળખાતા કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે. T20ની આઠ મૅચો રમ્યો છે અને તે અન્ડર-૧૯ વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હતો. જોકે તેણે ચૅમ્પિયન્સ લીગ T20માં કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતાં ૬.૬૨ની ઇકૉનૉમીથી ૬ વિકેટ લેતાં તેને નૅશનલ ટીમમાં સ્થાન મળ્યું છે. તેની બૉલિંગ કરવાની સ્ટાઇલ પણ અનોખી છે એટલે તે બૅટ્સમૅનને અડચણમાં મૂકી શકે છે.

તેણે હવે ટીમમાં સેકન્ડ સ્પિનર તરીકે સ્થાન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવાનો રહેશે. બીજી તરફ ઇંગ્લૅન્ડની સિરીઝ વખતે ઇન્જરીને કારણે બહાર રહેલા અમિત મિશ્રાને ટીમમાં ફરીથી લેવામાં આવ્યો છે. સ્પિનર કર્ણ શર્મા અને ધવલ કુલકર્ણીને પણ સ્થાન નથી મળ્યું. જ્યારે વિકેટકીપર-બૅટ્સમૅન સંજુ સૅમસન અને ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીને પણ ટીમમાં સ્થાન નથી મળ્યું.  ઇંગ્લૅન્ડની સિરીઝ વખતે રોહિત શર્મા ઘાયલ થતાં તેના સ્થાને લેવાયેલા મુરલી વિજયને યથાવત્ રાખવામાં આવ્યો છે, કારણ કે હજી પણ રોહિત શર્મા ઘાયલ છે.

ટીમ ઇન્ડિયા


મહેન્દ્ર સિંહ ધોની (કૅપ્ટન અને વિકેટકીપર), શિખર ધવન, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, અંબાતી રાયુડુ, સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, મોહિત શર્મા, ઉમેશ યાદવ, મુરલી વિજય, કુલદીપ યાદવ.

કોને બહાર કાઢવામાં આવ્યા?

આર. અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, ધવલ કુલકર્ણી, સંજુ સૅમસન અને કર્ણ શર્મા.

કોણ નવો ચહેરો?

કુલદીપ યાદવ.

વેસ્ટ ઇન્ડીઝ શોધે છે કોચ

વેસ્ટ ઇન્ડીઝ ટીમ માટે કોચની શોધ શરૂ થઈ છે અને એ માટે વિશ્વભરમાં શોધખોળ ચાલી રહી છે. ટીમને એક એવો કોચ જોઈએ છે જેનો છેલ્લાં પાંચ વર્ષનો ટ્રૅક રેકૉર્ડ એકદમ સારો હોવો જોઈએ અને તેણે ટોચના ખેલાડીઓને ટ્રેનિંગ આપી હોવી જોઈએ.

ઑગસ્ટ મહિનામાં કોચ ઑટિસ ગિબ્સને એની ટર્મ પૂરી થાય એના એક વર્ષ પહેલાં જ રાજીનામું આપ્યું હતું.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની સિરીઝનું ટાઇમટેબલ


વન-ડે મૅચ

મૅચ    તારીખ    સ્થળ/સ્ટેડિયમ

પ્રથમ વન-ડે    ૦૮ ઑક્ટોબર    નેહરુ સ્ટેડિયમ, કોચી

બીજી વન-ડે    ૧૧ ઑક્ટોબર    ફિરોઝશા કોટલા, દિલ્હી

ત્રીજી વન-ડે    ૧૪ ઑક્ટોબર    ડૉ. વાય.એસ.રેડ્ડી સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

ચોથી વન-ડે    ૧૭ ઑક્ટોબર    ધરમશાલા

પાંચમી વન-ડે    ૨૦ ઑક્ટોબર    ઈડન ગાર્ડન્સ, કલકત્તા

T20 મૅચ

    ૨૨ ઑક્ટોબર    બારાબતી સ્ટેડિયમ, કટક

ટેસ્ટ-મૅચ

પ્રથમ ટેસ્ટ    ૩૦ ઑક્ટોબરથી ૩ નવેમ્બર    રાજીવ ગાંધી સ્ટેડિયમ, હૈદરાબાદ

બીજી ટેસ્ટ    ૭ નવેમ્બરથી ૧૧ નવેમ્બર    એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બૅન્ગલોર

ત્રીજી ટેસ્ટ    ૧૫ નવેમ્બરથી ૧૯ નવેમ્બર     સરદાર પટેલ સ્ટેડિયમ, અમદાવાદ