પુજારા ઝીરો પછી હીરો: યશ ધુલે વિક્રમની કરી બરાબરી

21 February, 2022 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર મૅચ જીત્યું, પણ ગુજરાત અને બરોડા હાર્યાં

ચેતેશ્વર પુજારા

રણજી ટ્રોફીની પ્રારંભિક લીગ મૅચમાં ગઈ કાલનો આખરી દિવસ કેટલાક પ્લેયરો અને ટીમ માટે યાદગાર રહ્યો હતો. મુંબઈ સામે સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પુજારા પ્રથમ દાવની નિષ્ફળતા બાદ ગઈ કાલે અમદાવાદમાં મોટેરા મેદાન પર છવાઈ ગયો હતો. શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ-શ્રેણી માટેની ટીમમાં સ્થાન ન પામનાર પુજારા પહેલા દાવમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો જેને પગલે સૌરાષ્ટ્ર ફૉલો-ઑન થયું હતું તથા મુંબઈએ ૩૨૪ રનની લીડ લીધી હતી, પરંતુ ગઈ કાલે બીજા દાવમાં તેણે ૮૩ બૉલમાં એક સિક્સર અને ૧૬ ફોરની મદદથી ૯૧ રન બનાવ્યા હતા, જેને કારણે છેવટે સૌરાષ્ટ્ર મૅચને ડ્રૉમાં લઈ જઈ શક્યું હતું. બીજા દાવમાં સ્નેલ પટેલ (૯૮ રન), હાર્વિક દેસાઈ (૬૨ રન), કૅપ્ટન જયદેવ ઉનડકટ (અણનમ ૩૨) તથા પ્રેરક માંકડ (૨૭ રન) અને ચેતન સાકરિયા (અણનમ ૧૦)નાં પણ મહત્ત્વનાં યોગદાન હતાં. મુંબઈ વતી શમ્સ મુલાનીએ પુજારા સહિત કુલ ૭ બૅટર્સને આઉટ કર્યા હતા.
દરમ્યાન, અન્ડર-19 ટીમના વિશ્વવિજેતા સુકાની યશ ધુલ રણજી ટ્રોફીની ડેબ્યુ મૅચના બન્ને દાવમાં સદી (૧૧૩ અને ૧૧૩ અણનમ) ફટકારનારો નરી કૉન્ટ્રૅક્ટર (૧૯૫૩માં ગુજરાત વતી ૧૫૨, ૧૦૨ અણનમ) તથા વિરાગ અવાટે (૨૦૧૩માં મહારાષ્ટ્ર વતી ૧૨૬, ૧૧૨) પછીનો ત્રીજો ખેલાડી બન્યો છે. યશ રણજીના બન્ને દાવમાં સદી ફટકારનારો પટૌડી, સુરિન્દર ખન્ના, મદન લાલ, અજય શર્મા, રમણ લામ્બા અને રિષભ પંત પછીનો દિલ્હીનો સાતમો ખેલાડી બન્યો છે. ગઈ કાલે યશ અને ધ્રુવ શોરે (૧૦૭ અણનમ) વચ્ચેની ૨૨૮ રનની અતૂટ ભાગીદારીને પગલે તામિલનાડુ સામેની દિલ્હીની મૅચ ડ્રૉ ગઈ હતી.
રોહતકમાં ગઈ કાલે મહારાષ્ટ્રએ સત્યજિત બચ્છાવની કુલ ૧૧ વિકેટની મદદથી આસામને એક દાવ અને ૭ રનથી હરાવ્યું હતું. રાજકોટમાં મધ્ય પ્રદેશે ગુજરાતને ૧૦૬ રનથી અને કટકમાં બેંગાલે બરોડાને ૪ વિકેટે હરાવ્યું હતું. થુમ્બામાં આંધ્ર સામે રાજસ્થાનનો ૧૫૮ રનથી વિજય થયો હતો.

sports news cheteshwar pujara